તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
CM યોગીના સપા-કોંગ્રેસ પર આકરા પ્રહાર: "તમે મહિલાઓ દ્વારા શાપિત છો, પતન નક્કી છે"
યુપી વિધાનસભામાં મહિલા અનામત પર બોલતા યોગી આદિત્યનાથ રૌદ્ર સ્વરૂપમાં : શાહ બાનો કેસથી લઈ ટ્રિપલ તલાક સુધીના મુદ્દે વિપક્ષને ઘેર્યો, કહ્યું- "મૌલવીઓ સામે નાક ઘસનારા ક્યારેય મહિલાઓનું ભલું નહીં કરી શકે"

લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રમાં આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી ગઠબંધન પર શબ્દોના પ્રહાર કરતા રાજકીય ગરમાવો લાવી દીધો છે. મહિલા અનામતના મુદ્દે બોલતા સીએમ યોગીએ સીધું જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા) પર નિશાન સાધતા કહ્યું કે, જે પક્ષોએ વોટબેંકના રાજકારણ માટે મહિલાઓના અધિકારોનું બલિદાન આપ્યું છે, તેમને આજે અડધી વસ્તીના શાપનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે જો સપા પણ કોંગ્રેસના રસ્તે ચાલશે, તો તેમનું અસ્તિત્વ પણ કોંગ્રેસની જેમ જ ઈતિહાસના પાનામાં દફન થઈ જશે.
સીએમ યોગીએ ઐતિહાસિક 'શાહ બાનો કેસ'નો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે, દાયકાઓ પહેલા જ્યારે સુપ્રીમ કોર્ટે એક મુસ્લિમ મહિલાને ન્યાય આપ્યો હતો, ત્યારે તત્કાલીન કોંગ્રેસ સરકારે મૌલવીઓના દબાણમાં આવીને કાયદો બદલી નાખ્યો હતો. યોગીએ કહ્યું, "જો કોંગ્રેસે તે સમયે મૌલવીઓ સામે નાક ન ઘસ્યું હોત અને ન્યાયનું સન્માન કર્યું હોત, તો આજે તેમનું પતન આટલું ખરાબ ન હોત." તેમણે સપાને પણ આડેહાથ લેતા ઉમેર્યું કે, ટ્રિપલ તલાક જેવી કુપ્રથા નાબૂદ કરતી વખતે પણ સપા-કોંગ્રેસના ગઠબંધને તેનો વિરોધ કરીને પોતાની મહિલા વિરોધી માનસિકતા જગજાહેર કરી દીધી હતી.
ગૃહમાં ગુંજતા અવાજે યોગીએ પૂજા પાલના કિસ્સાનો ઉલ્લેખ કરી ભાવુક અને આક્રમક રજૂઆત કરી હતી. તેમણે પૂછ્યું કે જ્યારે રાજુ પાલની હત્યા થઈ ત્યારે સપાના નેતાઓ માફિયાઓ સામે ઝૂકી ગયા હતા, શું તેમને પૂજા પાલના આંસુ નહોતા દેખાયા? તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ સરકાર "ફતવાના રાજકારણ" અને માફિયાઓના રાજને ખતમ કરી ચૂકી છે. મુખ્યમંત્રીએ અંતમાં ભારપૂર્વક કહ્યું કે મહિલાઓ, પછાત વર્ગો અને દલિતો પ્રત્યે સહાનુભૂતિનો દેખાવ કરનારા પક્ષો વાસ્તવમાં જાતિવાદ અને કટ્ટરવાદ ફેલાવી રહ્યા છે, જ્યારે વર્તમાન સરકાર તેમને સન્માન અને સુરક્ષા આપીને 'શક્તિ' તરીકે સ્થાપિત કરી રહી છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
