<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામો મુદ્દે ખોટા દાવા કરતી કોચિંગ સંસ્થાઓ સામે સીસીપીએની લાલ આંખ, ફટકાર્યો ૭ લાખનો દંડ

ટોપર્સના નામે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી ભ્રામક જાહેરાતો હવે નહીં ચલાવી લેવાય: વ્યાપારી લાભ ખાતર થતા માર્કેટિંગ પર તવાઈ

નવી દિલ્હી: સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ યુપીએસસી પરીક્ષાના પરિણામો અને ટોપર્સ અંગે ભ્રામક દાવાઓ કરવા બદલ એક ખાનગી કોચિંગ સંસ્થા પર ૭ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 

ઓથોરિટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી આવી ગેરમાર્ગે દોરનારી આકર્ષક માર્કેટિંગ પદ્ધતિઓ સાંખી લેવાશે નહીં.

 

દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ લાખો રૂપિયા ફી વસૂલતી કોચિંગ સંસ્થાઓ દ્વારા ટોપર્સ પર દાવો કરવાની જે હોડ જામી છે, તેના પર હવે સરકારી તંત્રએ કડક બ્રેક મારી છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ વિદ્યાર્થીઓને લલચાવવા માટે ખોટી અને આકર્ષક જાહેરાતો કરતી કોચિંગ સંસ્થાઓ સામે લાલ આંખ કરી છે.

 

સીસીપીએની તપાસમાં બહાર આવ્યું હતું કે કેટલીક સંસ્થાઓ જે ઉમેદવાર માત્ર મોક ઇન્ટરવ્યુ આપવા આવ્યા હોય, તેને પણ પોતાના ક્લાસરૂમ સ્ટુડન્ટ તરીકે દર્શાવીને ગેરમાર્ગે દોરનારી જાહેરાતો આપે છે. આવી ભ્રામક માર્કેટિંગ પદ્ધતિ અપનાવવા બદલ ઓથોરિટીએ સંબંધિત ખાનગી સંસ્થા પર ૭ લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. 

 

સીસીપીએ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે માત્ર પોતાના વ્યાપારી લાભ અને એડમિશન વધારવા માટે નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પૈસા સાથે ચેડાં કરતી કોઈપણ માર્કેટિંગ પદ્ધતિને ભારતમાં જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં.

(8:56 PM IST)