તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
કોલસા માફિયાઓ સાવધાન! ગૃહમંત્રી અમિતભાઈ શાહનો 'ઝીરો કોલસા લીકેજ પ્લાન': ઝારખંડમાં ₹૪,૫૦૦ કરોડની કોલસા ચોરી પર કડક એક્શન, શંકાસ્પદ અધિકારીઓથી લઈને માફિયાઓ સુધીની તૈયાર થશે 'કુંડળી'
ગેરકાયદે ખાણકામ અટકાવવા ડ્રોન અને હાઇ-ટેક કેમેરાનો થશે ઉપયોગ; ગૃહમંત્રીએ આપ્યા માફિયાઓ વિરુદ્ધ ED અને NIA હેઠળ કાર્યવાહી કરવાના આદેશ

નવી દિલ્હી, તા.૦૬: ઝારખંડના ધનબાદ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર કોલસા ખાણકામ અને ચોરીના કૌભાંડ પર કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને કોલસા મંત્રી જી. કિશન રેડ્ડીએ નવી દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સ્થિતિની ગંભીર સમીક્ષા કરી હતી. વાર્ષિક આશરે ₹૪,૫૦૦ કરોડથી વધુની કોલસા ચોરીના આ મામલાની ગંભીરતાને જોતા ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી 'ઝીરો કોલસા લીકેજ પ્લાન' લાગુ કરવાનો કડક આદેશ આપ્યો છે.
અધિકારીઓ અને માફિયાઓ સામે ત્રણ સ્તરીય એક્શન પ્લાન
ગૃહ મંત્રાલય સુધી એવી પાકી માહિતી પહોંચી છે કે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ (SP અને SSP સ્તરના), CISF અને કોલસા કંપનીના અધિકારીઓ પણ આ ગેરકાયદેસર કાળા કારોબારમાં સંડોવાયેલા છે. આ નેક્સસને તોડવા માટે સરકારે ત્રણ વિશેષ યાદી એટલે કે 'કુંડળી' તૈયાર કરવાનો નિર્ણય લીધો છે:
૧. ગેરકાયદેસર ખાણકામ સ્થળોની યાદી: ઝારખંડના આવા તમામ સંવેદનશીલ વિસ્તારોને ચિહ્નિત કરીને વહેલી તકે જીઓટેગ કરવામાં આવશે.
૨. કોલસા માફિયાઓની યાદી: ગેરકાયદેસર વેપાર પાછળ રહેલા મુખ્ય સૂત્રધારોની સંપૂર્ણ માહિતી એકત્રિત કરી તેમની સામે ED (અમલીકરણ નિર્દેશાલય) અને NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) ના કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરાશે.
૩. શંકાસ્પદ અધિકારીઓની યાદી: કોલસા ચોરીમાં મદદ કરનારા કે આંખ આડા કાન કરનારા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આકરી વિભાગીય તપાસ શરૂ કરવામાં આવશે.
હાઇ-ટેક સર્વેલન્સ અને ડ્રોનથી રખાશે નજર
હવે ગેરકાયદેસર ખાણકામ અટકાવવા માટે પરંપરાગત રીતોને બદલે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે. સમગ્ર ધનબાદ-ઝારિયા ક્ષેત્રમાં મોંઘા કુકિંગ કોલસાની ચોરી રોકવા માટે ડ્રોન અને હાઇ-ઝૂમ કેમેરા વડે સતત દેખરેખ રાખવામાં આવશે, જે સીધા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલા રહેશે. આ સિવાય કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત એક્શન લેવા માટે CISF ની સ્પેશિયલ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને મલ્ટી-લેયર સિક્યોરિટી ગ્રીડ તૈનાત કરવામાં આવશે.
ઇ-વે બિલની ચકાસણી: ચોરીનો કોલસો બજારમાં ન વેચાય તે માટે GST અધિકારીઓને પણ આ અભિયાનમાં સામેલ કરાયા છે. હવેથી કોલસાના પરિવહન માટે ઇ-વે બિલની ચકાસણી ફરજિયાત રહેશે. તમામ પાવર પ્લાન્ટ્સ અને ઉદ્યોગોને માત્ર કાયદેસરના સ્ત્રોતોમાંથી જ કોલસો ખરીદવાની કડક તાકીદ કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ કર્યું છે કે, ખનિજ (વિકાસ અને નિયમન) અધિનિયમ (MMDR) ૧૯૫૭ હેઠળ CISF અને કોલ ઇન્ડિયાના અધિકારીઓને જપ્તી અને તપાસની જે સત્તાઓ મળી છે, તેનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે. દેશની જાહેર સંપત્તિનું રક્ષણ કરવા માટે ગૃહ મંત્રાલય દર મહિને આ સમગ્ર કામગીરીની જાતે સમીક્ષા કરશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
