<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

કોલસો બનશે સંકટમોચકઃ કોલ ગેસિફિકેશન માટે રૂ.૩૭૫૦૦ કરોડની યોજના

કંપનીઓને ઇન્‍સેન્‍ટિવ અપાશે, કેબિનેટ નોટ તૈયાર, કેબિનેટની મંજૂરી મળી શકે : સરકાર LNG, યૂરિયા, એમોનિયા, કોકિંગ કોલ માટે આયાત પર ઓછી નિર્ભરતા ઇચ્‍છે છે

 

નવી દિલ્‍હી,તા.૪: કેન્‍દ્ર સરકાર કોલસાના ગેસિફિકેશન મુદ્દે મોટો દાવ ખેલવાની તૈયારીમાં છે. સરકાર ૩૭,૫૦૦ કરોડ રૂપિયાની યોજના લાવી રહી છે, જે અંતર્ગત કંપનીઓને ઇન્‍સેન્‍ટિવ અપાશે. તે માટે કેબિનેટ નોટ પણ તૈયાર થઈ ચૂકી છે અને કેન્‍દ્રીય કેબિનેટ તેને જલદી મંજૂરી આપી શકે છે. યોજનાનો હેતુ દેશભરમાં કોલસા અને લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્‍ટ્‍સને વેગ આપવાનો છે. સરકાર ભારત LNG, યૂરિયા, એમોનિયા અને કોકિગ કોલ જેવા જરૂરી સંસાધનો માટે વિદેશો પર ઓછી નિર્ભરતા ઈચ્‍છે છે. સાથે જ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિયન ટન કોલ ગેસિફિકેશન ક્ષમતા પ્રાપ્ત કરવાનું પણ લક્ષ્ય રખાયું છે. કોલ

ગેસિફિકેશન એક એવી તકનીક છે કે જેમાં કોલસો બાળવાને બદલે તેને ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પક્રિયામાં કોલસામાંથી સિન્‍થેટિક ગેસ (સિન્‍ગેસ) તૈયાર થાય છે. આ ગેસનો ઉપયોગ વીજ ઉત્‍પાદનમાં, ફયૂલ તૈયાર કરવામાં તેમજ કેમિકલ ઇન્‍ડસ્‍ટ્રીમાં થાય છે. કોલ ગેસિફિકેશનથી ઓછું પ્રદૂષણ થાય છે અને ઊર્જાનો બહેતર ઉપયોગ થાય છે. ભારત પાસે કોલસાનો મોટો ભંડાર હોવા છતાં ઘણી જરૂરી ચીજો માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે. કોલ ગેસિફિકેશન આ સમસ્‍યાનો ઉકેલ બની શકે છે. તેનાથી દેશમાં જ ગેસ, ખાતર તથા અન્‍ય કેમિકલ તૈયાર થશે, જેના કારણે ફોરેન કરન્‍સીની બચત સાથે સપ્‍લાય ચેન પણ મજબૂત થશે.

ક્‍યા સેક્‍ટરોમાં ઉપયોગ થશેઃ ક્‍યા ક્‍યા ફાયદા?

કોલસાના ગેસિફિકેશનથી ઉત્‍પાદિત ગેસનો ઉપયોગ ઘણી જગ્‍યાએ થઈ શકે છે. તેનાથી વીજ ઉત્‍પાદન થઈ શકે છે. તેનો ઉપયોગ ખાતર બનાવવા, સ્‍ટીલ ઉદ્યોગમાં DRI પ્રોસેસ માટે અને મિથેનોલ તથા DME જેવા ઇંધણ બનાવવા માટે પણ થાય છે. એક જ તકનીકથી બહુવિધ ઉદ્યોગો લાભમેળવી શકે છે. સૌથી મોટો ફાયદો છે આયાત પરની નિર્ભરતામાં ઘટાડો. ભારતે LNGઅને કુકિંગ કોલ પર ભારે ખર્ચ કરવો પડે છે.

કોલસો કેમ ભારતની તાકાત બની શકે છે?

ભારત પાસે વિશ્વના સૌથી મોટા પૈકીનો એક કોલસા ભડાર છે. તેનો ઉપયોગ માત્ર તેને બાળવાને બદલે વધુ સારી તકનીકથી કરાય તો તે મોટી તાકાત બની શકે છે. કોલ ગેસિફિકેશન આ દિશામાં એક મોટું પગલું છે. તેનાથી કોલસાને હાઇ વેલ્‍યૂ પ્રોડક્‍ટમાં ફેરવી શકાય તેમ છે અને દેશને ઊર્જામાં આત્‍મનિર્ભર બનાવી શકાય છે. આ યોજનાથી આવનારા સમયમાં કોલસો સમગ્ર ઊર્જા અને ઉદ્યોગ ક્ષેત્રની કરોડરજ્જુ બની શકે છે.

(10:24 AM IST)