<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેની છ દિવસમાં બીજીવાર ધરપકડ; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૨૬ અને ૧૭૦ હેઠળ અટકાયાત: આજે વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે

‘લહરા દો તિરંગા’ કૂચ પહેલાં પોલીસની કાર્યવાહી; અટકાયતમાં લેવાયેલાં વિદ્યાર્થી નેતા નેહા બોરાને દિલ્હી પોલીસ અધિનિયમની કલમ ૬૫ હેઠળની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ આજે શનિવારે વહેલી સવારે મુક્ત કરાયાં

નવી દિલ્હી, તા. ૧૭ : દિલ્હીમાં શુક્રવારે અટકાયતમાં લેવાયેલા અભિજીત દીપકે સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૨૬ અને ૧૭૦ હેઠળ કાર્યવાહી કરાઈ છે. નેહા બોરાને મુક્ત કરાયાં છે, જ્યારે દીપકેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

 

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેની છ દિવસના અંતરે બીજીવાર ધરપકડ કરવામાં આવી છે. કનોટ પ્લેસમાં શુક્રવારે યોજાનારી ‘લહરા દો તિરંગા’ કૂચ પહેલાં પોલીસે તેમને ઝંડેવાલાન વિસ્તારમાંથી અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ તેમની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૨૬ અને ૧૭૦ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

 

પોલીસની માહિતી મુજબ દીપકેને શનિવારે વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવશે. અગાઉ ૧૦ ઑક્ટોબરે પણ દિલ્હીમાં પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં તેમને અટકાયતમાં લેવાયા હતા.

 

દરમિયાન, શુક્રવારે મંડી હાઉસ ખાતેથી અટકાયતમાં લેવાયેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાને શનિવારે વહેલી સવારે મુક્ત કરવામાં આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ અધિનિયમની કલમ ૬૫ હેઠળની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને છોડવામાં આવ્યાં હતાં.

 

મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે કૂચનું આહ્વાન કરાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થા તથા વાહનવ્યવહાર જાળવવા આશરે ૧૫૦ લોકોને અટકાયતમાં લેવાયા હતા. 

(9:34 AM IST)