News of Sunday, 19th July 2026
૨૦ જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટીના 'સંસદ ચલો માર્ચ' ને દિલ્હી પોલીસની મંજૂરી ન મળી : સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કાયદો તોડનારા તત્વો સામે કડક કાનૂની એક્શન લેવાની ચેતવણી
નવી દિલ્હી જિલ્લામાં બીએનએસની ધારા ૧૬૩ લાગુ હોવાથી જંતર-મંતર સિવાય પાંચથી વધુ લોકોના એકઠા થવા કે સરઘસ કાઢવા પર સખત પ્રતિબંધ : સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા સેન્ટ્રલ વિસ્ટા અને કનૉટ પ્લેસ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આરએએફ તેમજ વધારાનો પોલીસ કાફલો તૈનાત

નવી દિલ્હી : નવી દિલ્હીમાં આગામી ૨૦ જુલાઈ સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પ્રથમ દિવસથી જ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા આયોજિત કરવામાં આવેલા 'સંસદ ચલો માર્ચ' કાર્યક્રમને લઈને દિલ્હી પોલીસ પ્રશાસન દ્વારા એક મહત્વની અને કડક પબ્લિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ શબ્દોમાં આ માર્ચ અંગે જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ પ્રકારના કોઈ પણ વિરોધ પ્રદર્શન, રેલી કે કૂચ માટે સત્તાવાર રીતે ન તો કોઈ મંજૂરી માંગવામાં આવી છે અને ન તો પોલીસ પ્રશાસન દ્વારા આવી કોઈ પરવાનગી આપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે સામાન્ય જનતાને આ ગેરકાનૂની સભા કે રેલીમાં સામેલ ન થવા અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નવી દિલ્હી જિલ્લામાં ધારા ૧૬૩ લાગુ: પાંચથી વધુ લોકોના એકઠા થવા પર સખત રોક:
દિલ્હી પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, સંસદ સત્રના પ્રારંભને ધ્યાનમાં રાખીને સમગ્ર નવી દિલ્હી જિલ્લામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ધારા ૧૬૩ (જે અગાઉ સીઆરપીસીની ધારા ૧૪૪ તરીકે ઓળખાતી હતી) લાગુ કરી દેવામાં આવી છે. આ કાયદાકીય જોગવાઈ અનુસાર, જંતર-મંતર ખાતે જે વિરોધ પ્રદર્શન માટે નિયત કરાયેલું ચોક્કસ સ્થળ છે, તેના સિવાયના અન્ય કોઈ પણ જાહેર સ્થળે પૂર્વ મંજૂરી વિના કોઈ પણ પ્રકારની રેલી, સરઘસ, વિરોધ પ્રદર્શન કે પાંચ અથવા પાંચથી વધુ લોકોના એકઠા થવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સંસદ ભવન અને અન્ય મહત્વપૂર્ણ સરકારી પ્રતિષ્ઠાનો તેમજ સામાન્ય જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જે કોઈ પણ વ્યક્તિ આ ધારા ૧૬૩ નો ભંગ કરશે તેની સામે બીએનએસની ધારા ૨૨૩ અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ કડક ગુનો નોંધી એક્શન લેવાશે.
દિલ્હી સરહદ અને સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત અને આરએએફ તૈનાત:
સંસદ સત્ર દરમિયાન પાટનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દિલ્હી પોલીસના વરિષ્ઠ સૂત્રો દ્વારા વ્યાપક એહેતિયાતી પગલાં લેવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. નવી દિલ્હી જિલ્લાની સરહદોમાં પ્રવેશતા દરેક નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના વ્યૂહાત્મક અને અતિ સંવેદનશીલ સ્થળો પર વધારાની પોલીસ ચોકીઓ ઊભી કરવામાં આવી છે અને કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રિઝર્વ પોલીસ ફોર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત જંતર-મંતર, સંસદ માર્ગ, સેન્ટ્રલ વિસ્ટા, કનૉટ પ્લેસ અને શંકર ચોક સહિતના મહત્વના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત કરી દેવાઈ છે તેમજ ત્વરિત કાર્યવાહી કરવા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF) ની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા નેટવર્ક દ્વારા ૨૪ કલાક કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
