News of Monday, 27th July 2026
કોક્રોચ જનતા પાર્ટીનું કેન્દ્ર સરકારને આકરૂં અલ્ટીમેટમ - "વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામેની તમામ એફઆઈઆર પાછી ખેંચો નહિતર ફરી દેશવ્યાપી આંદોલન માટે તૈયાર રહો"
દિલ્હી પોલીસ અને ભાજપ શાસિત રાજ્યોની પોલીસ દ્વારા કરારનો ભંગ કરી વિદ્યાર્થીઓ પર કાર્યવાહી અને સતામણી કરાતી હોવાનો CJP ના પ્રવક્તા આશુતોષ રાંકાનો ગંભીર આરોપ :કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડો. જિતેન્દ્ર સિંહને ટેગ કરીને સોશિયલ મીડિયા પર આકરી ચેતવણી આપી

નવી દિલ્હી: કોક્રોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્ર સરકાર સામે ફરી એકવાર મોરચો માંડ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી ન કરવા અંગે થયેલા કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ લગાવીને CJP એ કેન્દ્ર સરકારને આકરૂં અલ્ટીમેટમ આપ્યું છે. પક્ષના પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા માધ્યમથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહને સીધા સંબોધીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
બિહાર-બંગાળમાં ધરપકડ અને દિલ્હીમાં મોનિટરિંગનો આરોપ:
આશુતોષ રાંકાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે બિહાર અને પશ્ચિમ બંગાળમાં સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં પણ સેંકડો વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં પ્રદર્શનકારીઓને લોજિસ્ટિક્સ અને અન્ય સહયોગ પૂરો પાડતા વોલન્ટિયર્સની અટકાયત કરવામાં આવી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, જે સરકાર સાથે થયેલા કરારની સીધી વિરુદ્ધ છે.
CJP ની મુખ્ય માગણીઓ અને ચીમકી:
કોક્રોચ જનતા પાર્ટી તરફથી કેન્દ્ર સરકાર સામે સ્પષ્ટ માગણીઓ મૂકવામાં આવી છે:
એફઆઈઆર રદ કરો: પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIR તાત્કાલિક ધોરણે પાછી ખેંચવામાં આવે.
વિદ્યાર્થીઓની મુક્તિ: અટકાયતમાં લેવાયેલા કે જેલમાં ધકેલાયેલા તમામ વિદ્યાર્થીઓને તુરંત છોડી મૂકવામાં આવે.
ભવિષ્યમાં કાર્યવાહી નહીં: દિલ્હી પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ કે ભાજપ શાસિત/સહયોગી રાજ્યોની પોલીસ દ્વારા ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સામે આવી કોઈ નવી FIR દાખલ કરવામાં ન આવે.
લિખિત કરારની માગ: કાનૂની કેસો અંગે થયેલા લિખિત કરારની નકલ ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદા સાથે આગામી દિવસ સુધીમાં પૂરી પાડવામાં આવે.
> "જો આપણી માગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો અમે ફરી એકવાર રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન (પ્રોટેસ્ટ) શરૂ કરવા માટે મજબૂર બનીશું."
> — આશુતોષ રાંકા (પ્રવક્તા, CJP)
> વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર સામે સીધા પ્રહારો:
આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આકરા પ્રહારો કરતા લખ્યું હતું કે, "વિદ્યાર્થીઓને ચૂંટી ચૂંટીને જેલોમાં પૂરવામાં આવી રહ્યા છે. વાયદાઓથી ફરી જવું એ તમારી જૂની આદત હોઈ શકે છે, નરેન્દ્રભાઈ મોદીજી... પરંતુ આ વખતે એ નહીં ચાલે! તમામ વિદ્યાર્થીઓ પરથી કેસ પાછા ખેંચવામાં આવે નહિતર દેશવ્યાપી આંદોલન માટે તૈયાર રહો".
અંતમાં તેમણે સવાલ પણ ઉઠાવ્યો હતો કે "શું આ સરકાર પર વિશ્વાસ કરીને વિદ્યાર્થીઓએ ભૂલ કરી દીધી છે?". CJP ની આ ચેતવણી બાદ કેન્દ્ર સરકાર અને પોલીસ પ્રશાસન તરફથી શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
