<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

પશ્ચિમ બંગાળનાં બાંકુડામાં કૉકરોચ જનતા પાર્ટીના સમર્થકના ઘરમાં ધુસીને હુમલો : પિતાની હત્યા : સીએમએ કહ્યું ભાજપનો હાથ નથી

ગુંડાઓના એક સમૂહે રાતે હફિઝનાં ઘરે લાકડી, લોખંડની સળીઓ અને લોખંડના સાધનો વડે હુમલો કર્યો:હફિઝ કોઈ રીતે ઘરની અંદર ભાગી જીવ બચાવવામાં સફળ રહ્યો જોકે, તેના પિતા શેખ મોહમ્મદ મફીકને ઢોર માર મારવામાં આવ્યો

પશ્ચિમ બંગાળનાં બાંકુડામાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) સમર્થક શેખ અબ્દુલ હફિઝનાં ઘરમાં ઘુસી અમુક ગુંડાઓએ હુમલો કર્યો હો. આ હુમલામાં તેના પિતા શેખ મોહમ્મદ મફીક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે વિવાદ થતા રાજ્યનાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી એ કહ્યું કે, ‘આ મામલે ભાજપનાં કોઈ લેવા-દેવા નથી.’

બાંકુડામાં ઈન્દાસનાં કરિગુંડા ગામનો રહેવાસી CJP સમર્થક શેખ અબ્દુલ હફિઝ 19 જુલાઈ એ દિલ્હીમાં સીજેપીનાં આંદોલનમાં સામેલ થયો હતો. 27 જુલાઈ એ પરત ફર્યા બાદ તે સીજેપીનાં નિર્દેશ પર 13 ઓગસ્ટનાં રોજ સ્થાનિક કરિગુંડા પશ્ચિમપાડા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ગયો હતો. સ્કૂલનાં હેડમાસ્ટર કાશીનાથ દે એ તેને એક દિવસ પછી આવવા જણાવ્યું. આ મુલાકાત બાદ જ અમુક અજ્ઞાત ગુંડાઓએ તેની પર હુમલો કર્યો હતો. 

 

ગુંડાઓના એક સમૂહે રાતે હફિઝનાં ઘરે હુમલો કર્યો હતો. હુમલાખોરો એ લાકડી, લોખંડની સળીઓ અને લોખંડના સાધનો વડે હુમલો કર્યો હતો. હફિઝ કોઈ રીતે ઘરની અંદર ભાગી જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જોકે, તેના પિતા શેખ મોહમ્મદ મફીકને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસની દખલગીરી બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મફીકને ઈન્દાસ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર સારવાર માટે ખસેડાયા હતા. 15 ઓગસ્ટે તેને બર્ઘમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રેફર કરાયા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકની પત્ની એ 10-15 હુમલાખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરી છે. જેમાંથી 8ની ધરપકડ કરવામા આવી છે. અન્ય લોકોની ઓળખ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. 

 

મંત્રી અગ્નિમિત્રા પૉલ એ કહ્યું કે,‘ભાજપ કોઈપણ ખોટા કામમાં સામેલ આરોપીઓને છોડશે નહીં. સમગ્ર ભારતમાં ભાજપનાં કાર્યકરો લાખોમાં છે. દરેકનું કેરેક્ટર જાણવું અને નક્કી કરવું એ શક્ય નથી. આ કામ પ્રદેશ પ્રમુખનું કામ નથી અને ના તો આ મુખ્યમંત્રીની જવાબદારીમાં આવે છે. પરંતુ આવી કોઈપણ ઘટના ઘટી છે, તો તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ’

(10:45 PM IST)