તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Monday, 16th November 2026
ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનો ચમકારો: દક્ષિણ ભારતમાં એક નવા ચક્રવાતી તોફાનને કારણે ભારે કમોસમી વરસાદનું એલર્ટ
ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે ઠંડીએ જોર પકડ્યું:લખનૌ, કાનપુર, બારાબંકી, ઉન્નાવ સહિતના અનેક જિલ્લાઓમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ

દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જ્યાં ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનો ચમકારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાં એક નવા ચક્રવાતી તોફાનને કારણે ભારે કમોસમી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, બારાબંકી, ઉન્નાવ સહિતના અનેક જિલ્લાઓમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ જવાથી વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 16 થી 18 નવેમ્બર દરમિયાન દિવસ અને રાત્રિના તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને હળવાથી મધ્યમ કમોસમી વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડો વાયરો ફૂંકાવા લાગ્યો છે. દિલ્હીમાં સોમવારે સવારે હળવાથી મધ્યમ ધુમ્મસ છવાયેલું રહેશે અને મહત્તમ તાપમાન 26થી 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14થી 16 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.
એક તરફ ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે, ત્યારે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલી ડિપ્રેશન સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જે 16 નવેમ્બરે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. આ ચક્રવાતી સિસ્ટમના પ્રભાવ હેઠળ 19 અને 20 નવેમ્બરે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો અને યનમમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, 18 અને 19 નવેમ્બરે તમિલનાડુમાં તેમજ 19થી 21 નવેમ્બર દરમિયાન ઓડિશામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ખતરનાક હવામાન પ્રણાલીને કારણે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ 19થી 21 નવેમ્બર દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જ્યારે નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ અને ત્રિપુરામાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
