News of Monday, 13th July 2026
મિટિંગમાં વારંવાર વોશરુમ જતાં અધિકારીઓ પર કમિશનર ગુસ્સે થયાઃ તાત્કાલિક બધાના શુગર ટેસ્ટ કરાવ્યાઃ ડાયાબિટીસના દર્દી નીકળ્યા
મધ્ય પ્રદેશના મૈહર જિલ્લાના કલેક્ટર કચેરીમાં વિવિધ વિભાગોની એક સમીક્ષા બેઠક દરમ્યાન એક અજીબોગરીબ અને અનોખી ઘટના સામે આવી

મૈહર,તા.૧૩: મધ્ય પ્રદેશના મૈહર જિલ્લાના કલેક્ટર કચેરીમાં વિવિધ વિભાગોની એક સમીક્ષા બેઠક દરમ્યાન એક અજીબોગરીબ અને અનોખી ઘટના સામે આવી. બેઠક લઈ રહેલા રીવાના કમિશનર શીલેન્દ્ર સિહે જ્યારે જોયું કે સમીક્ષા બેઠક દરમ્યાન કેટલાય અધિકારી અને કર્મચારીઓ વારંવાર ઉઠીને વોશરૂમમાં જઈ રહ્યા છે, તો તેઓ પોતાની નારાજગી રોકી શક્યા નહીં.
રીવા કમિશનરે કડક અંદાજમાં ટોકતા પૂછ્યું કે તમે લોકો વારંવાર બહાર કેમ ભાગી રહ્યા છો, શુગર પેશન્ટ છો કે શું? વાત ખાલી ટોકવા સુધીની નહોતી. કમિશનર શીલેન્દ્ર સિહે તેને ગંભીરતાથી લેતા બેઠકમાં હાજર મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડો. મનોજ શુક્લાને તાત્કાલિક કડક નિર્દેશ આપ્યા કે મીટિગમાં હાજર દરેક અધિકારી અને કર્મચારીઓના ઓન-સ્પોટ શુગર ટેસ્ટ કરવામાં આવે.
કમિશનરના ફરમાન પર તરત જ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો. તાત્કાલિક સિવિલ હોસ્પિટલ મૈહરના પેરામેડિકલ સ્ટાફને મેડિકલ કિટ સાથે કલેક્ટર ઓફિસે બોલાવ્યા. મીટિગ હોલની બહાર ગ્લૂકોમીટર સાથે એક ખાસ ટીમે તપાસ શિબિર લગાવી. એક એક કરીને બેઠકમાં હાજર તમામ ૪૯ અધિકારી અને કર્મચારીઓની આંગળી પર પંચ કરી બ્લડ શુગર રેન્ડમ તપાસ કરી.
જ્યારે તપાસ રિપોર્ટ કમિશનર સામે ટેબલ પર સામે આવ્યો તો પરિણામ ચોંકાવનારા હતા. કુલ ૪૯ લોકોની તપાસમાંથી ૧૬ અધિકારી અને કર્મચારીના બ્લડ શુગર લેવલ ૨૦૦થી ક્યાંય વધારે જોવા મળ્યું. આ તપાસનો સૌથી મોટો ફાયદો એ થયો કે તેમાંથી ૩ ટોચના અધિકારી એવા નીકળ્યા, જેમને જીવનમાં પહેલી વાર ખબર પડી કે તે સાઈલેન્ટ કિલર કહેવાતી ડાયાબિટીસની ચપેટમાં આવી ચૂક્યા છે. વળી બાકીના ૧૩ અધિકારી-કર્મચારી પહેલાથી જ શુગરના દર્દી હતા અને તેમના રિપોર્ટ બેકાબૂ થઈ ગયા હતા. બાકીના ૩૩ અધિકારીના શુગર લેવલ એકદમ સામાન્ય અને કાબૂમાં હતા.
તપાસ રિપોર્ટ જોયા બાદ કમિશનર શીલેન્દ્ર સિહનો ગુસ્સો શાંત થયો અને તેમણે અધિકારીઓને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની સલાહ આપી. કમિશનરે કહ્યું કે, સતત વોશરૂમ જવું ડાયાબિટીસનું પ્રથમ લક્ષણ છે. જેને લોકો હંમેશા કામના તણાવમાં નજરઅંદાજ કરી દેતા હોય છે. શાસકીય સેવામાં રહીને અધિકારી પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરતા હોય છે, કેમ કે સ્વસ્થ શરીરથી સારું કામ લઈ શકાય છે. તેમણે સ્વાસ્થ્ય વિભાગને નિર્દેશ આપ્યા કે, જે અધિકારીઓના રિપોર્ટ બેકાબૂ થઈ ગયા છે, તેમને તાત્કાલિક મેડિકલ પરામર્શ અને દવા આપવામાં આવે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
