<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

કોમનવેલ્‍થ ગેમ્‍સ ૨૦૨૬: ભારતીય દળ સજ્જ, ૧૨૬ ખેલાડીઓ બતાવશે પોતાનો દમઃ સત્તાવાર શેડયૂલ જાહેર

વિશ્વસમીપે ભારતનો ખેલ-મહોત્‍સવઃ વિવિધ રમતોમાં ગોલ્‍ડ મેડલ જીતવાના લક્ષ્ય સાથે ભારતીય એથ્‍લેટ્‍સ મેદાનમાં ઊતરશેઃ આજે રાત્રે ૧૦:૩૦ વાગે ઓપનીંગ સેરેમની

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સ ૨૦૨૬ માટેનું કાઉન્‍ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. વિશ્વભરના રમતપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે કોમનવેલ્‍થ ગેમ્‍સનું સંપૂર્ણ અને આખરી શેડ્‍યૂલ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્‍યું છે. સ્‍ક્રોટલેન્‍ડના ગ્‍લાસગોમાં આજથી શરૂ થઈ રહેલ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં આ વખતની સ્‍પર્ધામાં ભારત તરફથી ૧૨૬ મજબૂત એથ્‍લેટ્‍સનું દળ મેદાનમાં ઊતરવા જઈ રહ્યું છે, જેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્‍વ કરશે. આજે રાત્રે ૧૦:૩૦ વાગે ઓપનિંગ સેરેમની યોજાશે.

જાહેર કરવામાં આવેલા શેડ્‍યૂલ અનુસાર, વિવિધ રમતોના મુકાબલાઓનું ચોક્કસ સમયપત્રક ગોઠવવામાં આવ્‍યું છે. ભારતના આ ૧૨૬ ખેલાડીઓ જુદી જુદી રમત શાખાઓમાં તિરંગો લહેરાવવાના દ્રઢ સંકલ્‍પ સાથે ભાગ લેશે. જેમાં કુસ્‍તી, બેડમિન્‍ટન, એથ્‍લેટિક્‍સ, શૂટિગ, આર્ચરી અને બોક્‍સિંગ જેવી રમતોમાં ભારતીય દાવાને સૌથી મજબૂત માનવામાં આવી રહ્યો છે. દળમાં અનુભવી દિગ્‍ગજ ખેલાડીઓ તેમજ આશાસ્‍પદ યુવા પ્રતિભાઓનો સમાવેશ થાય છે.

વિગતવાર મળતી માહિતી મુજબ, ભારતીય એથ્‍લેટ્‍સ છેલ્‍લા ઘણા સમયથી આ મહાકુંભ માટે સખત મહેનત અને વિશેષ તાલીમ મેળવી રહ્યા છે. અગાઉના કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અનેક મેડલ્‍સ દેશના નામે કર્યા હતા, ત્‍યારે આ વખતે પણ ૧૨૬ ખેલાડીઓની આ ટુકડી પાસે દેશવાસીઓને રેકોર્ડબ્રેક મેડલ્‍સની મોટી આશાઓ છે. આ સંપૂર્ણ શેડ્‍યૂલ સામે આવ્‍યા બાદ સમગ્ર દેશમાં રમતપ્રેમીઓ અને ચાહકો દ્વારા ભારતીય ટીમને જીત માટે શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(10:39 AM IST)