News of Saturday, 21st November 2026
દિલ્હીમાં ચોથા માળે ગેસ્ટ હાઉસ ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ; MCDના કડક નિયમો, ઉલ્લંઘન કરનાર સામે સીલિંગની ચેતવણી
૧૨ મીટરથી ઊંચી ઇમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત; એક મહિનામાં તમામ ૧૨ ઝોનમાં થશે સર્વે

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં મુસાફરો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા ગેસ્ટ હાઉસ અને લોજિંગ સંસ્થાનો માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એમસીડીના પબ્લિક હેલ્થ વિભાગે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવેથી ચોથા માળે કે તેનાથી ઉપરના માળે ગેસ્ટ હાઉસ કે કોઈપણ પ્રકારની વ્યાવસાયિક રહેઠાણની પ્રવૃત્તિ ચલાવી શકાશે નહીં.
ચોથા માળના ઉપયોગ પર સંપૂર્ણ રોક
નવા આદેશ મુજબ, ગેસ્ટ હાઉસ સંચાલકો કોઈપણ સંજોગોમાં ચોથા માળ અથવા તેનાથી ઉપરના માળનો ઉપયોગ રૂમ ભાડે આપવા, રિસેપ્શન એરિયા કે અન્ય કોઈ વ્યાવસાયિક કામગીરી માટે કરી શકશે નહીં. નિયમોનો ભંગ કરનારા એકમો સામે સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSC) ફરજિયાત
૧૨ મીટર અથવા તેથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોમાં કાર્યરત ગેસ્ટ હાઉસ માટે ફાયર ડિપાર્ટમેન્ટનું માન્ય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ હોવું અનિવાર્ય કરાયું છે. સર્ટિફિકેટ વિના સંચાલન કરવું અથવા મુદત પૂરી થયા બાદ તેનું રિન્યુઅલ ન કરાવવું એ ગંભીર સુરક્ષા ક્ષતિ ગણાશે.
રસોડા અને ડાઈનિંગ એરિયા માટે અલગ લાયસન્સ
એમસીડીના આદેશ અનુસાર ગેસ્ટ હાઉસમાં રસોડું અને ડાઈનિંગ એરિયા ચલાવવા માટે અલગથી મંજૂરી અથવા લાયસન્સ લેવું પડશે. મુખ્ય બાબતો આ મુજબ છે:
રસોડાનો ઉપયોગ માત્ર ગેસ્ટ હાઉસમાં રોકાયેલા મહેમાનોને ભોજન પૂરું પાડવા પૂરતો જ મર્યાદિત રહેશે.
ડાઈનિંગ એરિયામાં બેસવાની ક્ષમતા સંસ્થામાં મંજૂર થયેલા કુલ બેડની સંખ્યા કરતાં વધુ હોવી જોઈએ નહીં.
જે વિસ્તારોમાં પાઈપ નેચરલ ગેસ (PNG) ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં તેનો ઉપયોગ ફરજિયાત રહેશે.
૧૨ ઝોનમાં વિશેષ તપાસ અને કડક સજાની જોગવાઈ
ગેસ્ટ હાઉસ અને અન્ય લાયસન્સ ધરાવતા એકમોમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી માટે એમસીડી દ્વારા તમામ ૧૨ ઝોનમાં સર્વે હાથ ધરવામાં આવશે. હેલ્થ લાયસન્સ ઈન્સ્પેક્ટરો વોર્ડ મુજબ તપાસ કરીને એક મહિનામાં મુખ્ય મથકને રિપોર્ટ સુપરત કરશે. નિયમોના ઉલ્લંઘન બદલ મિલકત સીલ કરવા ઉપરાંત ગંભીર કિસ્સામાં હેલ્થ ટ્રેડ લાયસન્સ રદ કરવા તથા પાણી અને વીજળી જોડાણ કાપવા સુધીની કડક કાર્યવાહી થઈ શકે છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
