<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

મહારાષ્ટ્રમાં ભેળસેળિયા તત્વો સામે એફડીએની લાલ આંખ: ખાદ્ય તેલના ગેરકાયદે વેપાર અને અશુદ્ધિ રોકવા પ્રશાસનનું આક્રમક અભિયાન, લૂઝ ઓઇલના વેચાણ પર મૂકાયો કડક પ્રતિબંધ

​નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં સાંખી નહિ લેવાય તેવી સ્પષ્ટ ચેતવણી સાથે રાજ્યભરમાં દરોડાની કામગીરી ઝડપી કરાઈ; ગુણવત્તા વગરનું તેલ વેચતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરાતા ભેળસેળિયાઓમાં ફાફડાવ ફેલાયો

​મુંબઈ: ​રાજ્યમાં પ્રજાના સ્વાસ્થ્ય અને આરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં વેચાતા ખાદ્ય તેલમાં થતી ભેળસેળ અને અશુદ્ધિઓના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને પ્રશાસને આક્રમક વલણ અપનાવ્યું છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થતા ચેડાંને અટકાવવાના હેતુથી એફડીએ દ્વારા લૂઝ એટલે કે ખુલ્લા ખાદ્ય તેલના વેચાણ પર પૂર્ણપણે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

​આ અભિયાન અંતર્ગત એફડીએની વિવિધ ટીમો દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારમાં આવેલા તેલના ઉત્પાદકો, પેકર્સ અને વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન ખુલ્લામાં વેચાતા તેલ અને શંકાસ્પદ જથ્થાના નમૂના એકત્ર કરીને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. સરકારી નિયમો અને ગુણવત્તાના માપદંડોનું ઉલ્લંઘન કરનારા તેમજ ભેળસેળયુક્ત તેલનું વેચાણ કરતા જોવા મળતા વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

​તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે ગ્રાહકોને ગુણવત્તાસભર અને સુરક્ષિત ખાદ્યસામગ્રી મળી રહે તે માટે આ નિયમોનું પાલન કરાવવું અનિવાર્ય છે. ખુલ્લા તેલમાં અશુદ્ધિઓ ઉમેરવાની શક્યતા વધુ રહેતી હોવાથી તેના વેચાણ પર મનાઈ હુકમ લાવવામાં આવ્યો છે. તેલનું વેચાણ માત્ર સીલબંધ અને યોગ્ય લેબલિંગ ધરાવતા પેકિંગમાં જ કરી શકાશે. આ ઉપરાંત, તમામ વેપારીઓને માત્ર રજિસ્ટર્ડ અથવા લાયસન્સ ધરાવતા ઉત્પાદકો પાસેથી જ માલ ખરીદવા અને ગ્રાહકોને બિલ આપવા માટે સુચના આપવામાં આવી છે.

​એફડીએની આ કડક કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે ખુલ્લું તેલ વેચતા અને ભેળસેળના કાળા કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ભારે ફાફડાવ વ્યાપી ગયો છે. પ્રશાસને નાગરિકોને પણ જાગૃત રહેવા અને હંમેશા પેક્ડ તથા પ્રમાણિત ખાદ્ય તેલની જ ખરીદી કરવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે અને નિયમભંગ કરનારાઓ સામે કોઈપણ જાતની દયા વગર આકરા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

(10:41 AM IST)