<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સગીરોની સિક્યોરિટી સાથે ચેડાં: યુરોપિયન યુનિયનનો ટિકટોક પર મોટો પ્રહાર; અબજો ડોલરના દંડની લટકતી તલવાર

બાળકોની પ્રાઈવસી જાળવવામાં નિષ્ફળ રહેતા TikTok સામે EU ની આકરી કાર્યવાહી; વાર્ષિક કમાણીના ૬% સુધીનો ભારે દંડ થઈ શકે છે

બ્રસેલ્સ : વિશ્વભરમાં લોકપ્રિય શોર્ટ-વિડિયો એપ ‘ટિકટોક’ (TikTok) ફરી એકવાર મોટી કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. યુરોપિયન કમિશને (EU) શુક્રવારે એક ચોંકાવનારો તપાસ અહેવાલ જાહેર કરતાં જણાવ્યું છે કે ટિકટોક સગીર બાળકોના ગોપનીયતા (Privacy) ના અધિકારોનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. પુખ્ત વયના લોકોને સગીરોની પ્રોફાઈલ અને કન્ટેન્ટ સરળતાથી જોવાની મંજૂરી આપીને કંપનીએ બાળકોની સુરક્ષા જોખમમાં મૂકી છે.
સાયબર બુલિંગ અને હિંસક વર્તનનું જોખમ વધ્યું
યુરોપિયન કમિશનના તારણો મુજબ, પ્લેટફોર્મની આવી બેદરકાર નીતિઓ અને ખામીયુક્ત પ્રથાઓના કારણે સગીર બાળકો સાયબર બુલિંગ (Cyberbullying), અજાણ્યા લોકો દ્વારા અનિચ્છનીય સંપર્ક અને હિંસક વર્તન જેવા ગંભીર જોખમોનો ભોગ બની રહ્યા છે.
હાલમાં EU દ્વારા ચીની માલિકી ધરાવતી કંપની ટિકટોકને પોતાના બચાવમાં પક્ષ રાખવા અને સત્તાવાર જવાબ આપવા માટે તક આપવામાં આવી છે.
વાર્ષિક આવકના ૬% સુધીના દંડની જોગવાઈ
જો યુરોપિયન કમિશન ટિકટોકના સ્પષ્ટતા અને જવાબોથી સંતુષ્ટ નહીં થાય, તો તે કંપની સામે બિન-પાલન (Non-compliance) નો આકરો નિર્ણય જારી કરી શકે છે.
મોટો આર્થિક ફટકો: ડિજિટલ સર્વિસીસ એક્ટ (DSA) ના ઉલ્લંઘન બદલ ટિકટોક પર તેની વૈશ્વિક વાર્ષિક કુલ આવકના ૬% સુધીનો વિરાટ દંડ ફટકારવામાં આવી શકે છે.
‘વ્યસનકારક ડિઝાઇન’ પર પણ અગાઉ ઘેરાઈ ચૂક્યું છે ટિકટોક
બ્રસેલ્સ દ્વારા મેટા (Meta) અને એપલ (Apple) જેવી ટેક જાયન્ટ્સ સામે લેવાઈ રહેલા આકરા પગલાં વચ્ચે ટિકટોક સામે આ કાર્યવાહી થઈ છે.
આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ EU એ નોંધ્યું હતું કે ટિકટોકની 'ઓટોપ્લે' (Autoplay) અને 'અનંત સ્ક્રોલિંગ' (Infinite Scrolling) જેવી યુઝર્સને એડિક્ટ બનાવતી ડિઝાઇન સગીરોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે.

(6:17 PM IST)