<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતીના એંધાણ : અમે કરારની ખૂબ નજીક પહોંચી ગયા છીએ: ટ્રમ્પ

એક વર્ષથી વધુ સમયથી ચાલતી વાટાઘાટો અંતિમ તબક્કામાં : અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોના જણાવ્યા મુજબ કરાર થોડાં અઠવાડિયાંમાં થઈ શકે

વોશિંગ્ટન, તા. ૨૧ : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટવાયેલી વેપાર સમજૂતી અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કર્યો છે. બંને દેશો કરારની અત્યંત નજીક હોવાનું જણાવતાં તેમણે સમજૂતી અગાઉના કરારો કરતાં જુદા પ્રકારની હોઈ શકે તેવો સંકેત આપ્યો છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયાએ પણ મોટાભાગનું કામ પૂર્ણ થયું હોવાનું જણાવ્યું છે.

 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેમહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે બંને દેશો હવે સમજૂતીની ખૂબ નજીક પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસ ખાતે મંગળવારે પત્રકારોએ વેપાર કરાર અંગે પ્રશ્ન પૂછતાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત કરાર કરવા ઇચ્છે છે અને અમેરિકા પણ કરાર કરશે.

 

જોકે તેમણે કરારની ચોક્કસ શરતો, આયાત જકાત કે હસ્તાક્ષરની તારીખ અંગે વિગત આપી નહોતી.

 

બીજી તરફ ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયાએ જણાવ્યું હતું કે વેપાર કરાર અંગે મોટાભાગની વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. હવે કેટલીક ટેકનિકલ બાબતો અને કરારની ભાષા અંગે અંતિમ સહમતી મેળવવાની પ્રક્રિયા બાકી છે. તેમના જણાવ્યા મુજબ કરાર પૂર્ણ થવામાં મહિનાઓ નહીં, પરંતુ થોડાં અઠવાડિયાં લાગી શકે છે.

 

તાજેતરમાં અમેરિકાએ રશિયન તેલ સાથે જોડાયેલા કેટલાક પ્રતિબંધોમાં કામચલાઉ રાહત આપતાં વેપાર વાટાઘાટો માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું હોવાનું માનવામાં આવે છે.

(9:26 AM IST)