તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
વિદેશમાં નાણાં મોકલવા માટે આઈટી ફોર્મ ભરવા મુદ્દે અસમંજસની સ્થિતિ
વર્ષ ૨૦૨૫-૨૬નાં નાણાં મોકલવાના બાકી હોય તે મુદ્દે સ્પષ્ટતાનો અભાવ

મુંબઈ,તા.૨૪: ઈન્કમટેક્સમાં નવા કાયદા હેઠળ ફોર્મમાં ફેરફાર કરી દીધા છે. તે પૈકી વિદેશ મોકલવા માટેના ફોર્મમાં પણ ફેરફાર કરવામાં આવ્યા બાદ ગત વર્ષના નાણાં મોકલવાના હોય તો કયું ફોર્મ ભરવાનું રહેશે તેની સ્પષ્ટતા ન થતાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરનારાએ માલ મંગાવ્યા બાદ તેની ચુકવણી વિદેશમાં કરવાની હોય તેવા કિસ્સામાં ચારથી છ મહિનાનો સમયગાળો આપવામાં આવતો હોય છે. જેથી કેટલાક લોકોએ તે નાણાંની ચુકવણી કરવાની હોય તેમાં ત્રણ ભાગમાં નાણાં વિદેશ મોકલવાના હોય છે. તે પૈકી એક ભાગના નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં મોકલી આપવામાં આવ્યા બાદ બાકીના નાણાં હવે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં મોકલવાના છે. પરંતુ તે પહેલા ઈન્કમટેક્સનો નવો કાયદો લાગુ કરવામાં આવવાની સાથે વિદેશ મોકલવા માટેના ફોર્મમાં પણ ફેરફાર કરી નાંખ્યો છે. આ ફોર્મમાં ફેરફાર કરવાના કારણે વિદેશ નાણાં મોકલવા માટે કયું ફોર્મ ભરવાનું રહેશે તેની હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નહીં હોવાના કારણે હાલ તો ઈ મ્પોર્ટ એક્સપોર્ટ કરનારાઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે વિદેશ નાણાં મોકલવા માટે આઇટીના જૂના કાયદા હેઠળ ફોર્મ ૧૫ સીએ અને ૧૫ સીબી ભરવાનું હોય છે. જ્યારે નવા કાયદા હેઠળ ફોર્મ ૧૪૫ અને ૧૪૬ ભરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ ફોર્મ ભરીને તેના પર સીએનો સિક્કો મરાવ્યા બાદ બેંકમાં જમા કરાવવાનું હોય છે. બેંકના અધિકારીઓ તેને વેરિફાઈ કર્યા બાદ નાણાં વિદેશ મોકલવામાં આવતા હોય છે. પરંતુ જે વ્યક્તિએ ગત નાણાકીય વર્ષના નાણાં ચૂકવવાના બાકી હોય તેને કયા ફોર્મ ભરીને જમા કરાવવાનું હોય તેની સ્પષ્ટતા કરવામાં નહીં આવતા હાલ તો પરેશાની વેઠવાની નોબત આવીને ઊભી છે.
ફોર્મ અંગે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી
૬ વિદેશ નાણા મોકલવા માટે ફોર્મ અંગે સ્પષ્ટતા કરવામાં આવે તો તકલીફ દૂર થાય તેમ છે. કેટલાય લોકોના નાણાં ગત વર્ષના ચૂકવવાના બાકી છે. જેથી જૂના ફોર્મ ભરીને જ નાણાં મોકલે છે. પરંતુ આઇટી દ્વારા તેમાં કાર્યવાહી કરે તેવો પણ ડર સતાવી રહ્યો હોવાથી તાકીદે સ્પષ્ટતા કરાય તો અસમંજસ દૂર થાય તેમ છે. -સીએ
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
