તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
ભાજપની સુનામીમાં કોંગ્રેસ-આપ તણાયા : જુઓ સંપૂર્ણ યાદી
સમગ્ર ગુજરાતમાં લહેરાયો કેસરીયો ઝંડોઃ કોંગ્રેસ કે ન આપ ગામડાથી લઇને શહેરો સુધીમાં બસ ભાજપઃ મતદારોએ ફરી ભાજપ ઉપર મૂકયો ભરોસોઃ ૧પ મહાનગરપાલિકા ઉપર ફરી કબ્જોઃ સાંજે ઉજવણીઃ ઠેરઠેર વિજય સરઘસ : જીલ્લા-તાલુકા-નગરપાલિકા-મહાનગર પાલિકાઓ કબ્જે કરવામાં ભાજપ ફરી સફળઃ કયાંક કયાંક ‘આપ'એ જોર કર્યું: રાજયમાં ઓવૈસીના પક્ષની એન્ટ્રી

નવી દિલ્હી તા.૨૮: સમગ્ર દેશનું જયાં ધ્યાન કેન્દ્રીત છે તે ભાજપના ‘‘મોડેલ સ્ટેટ'' અને રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં તાજેતરમાં ૧૫ મહાપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જીલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની યોજાયેલી ચુંટણી બાદ આજે સવારથી શરૂ થયેલ મતગણતરીમાં આ લખાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાયો છે. મળતા ટ્રેન્ડ અનુસાર ન કોંગ્રેસ કે ન તો ‘‘આપ'' ગામડાથી લઇને શહેરો સુધીમાં ભાજપનો જયજયકાર થયો છે. જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર આગળ છે પરંતુ સમગ્ર પરિસ્થિતી જોતા સર્વત્ર કેસરિયો લહેરાયો છે. મતદારોએ ફરીથી ભાજપ ઉપર ભરોસો મૂકયો છે. જીલ્લા- તાલુકા- નગરપાલિકાઓ પુનઃ કબ્જે કરવામાં ભાજપ સફળ રહયુ છે. રાજયમાં ભાજપનો દબદબો યથાવત રહયો છે. આ લખાય છે ત્યારે ર વાગ્યે રાજયની કુલ ૯૯૯૨ બેઠકોમાંથી પ૭પ૯ ના મળેલા ટ્રેન્ડમાં ભાજપ ૪પપર, કોંગ્રેસ ૮૯૧, આપ ૩૧૬ બેઠકો પર આગળ ચાલે છે અથવા બેઠક જીતી લીધેલ છે.
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ અનુસાર, મહાનગરપાલિકામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ કુલ ૪૯.૧૪ ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતમાં ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી બધામાં ભાજપે જીત મેળવી છે. આમ વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. સુરતમાં આપના રાજ્ય મહામંત્રી મનોજ સોરઠિયા હારી ગયા, જ્યારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભા પણ હારી ગયા.
સુરત આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝાટકો માનવામાં આવે છે. મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીનું સુરતમાં મોટું માથુ ગણાય છે. આ બતાવે છે કે સુરતમાં આમ આદમી પાર્ટીને યાદવાસ્થળી નડી ગઈ છે. આ પરિણામ ગોપાલ ઇટાલિયા માટે પણ મોટો ઝાટકો છે. આના પગલે સુરતમાં સારો દેખાવ કરવાની આમ આદમી પાર્ટીની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પહેલાં રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યું હતું. તેના કારણે વોર્ડ નંબર-૧૬માં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. આ બતાવે છે કે વિકાસના કામ કરવા જતા અને અતિક્રમણ દૂર કરવાના પ્રયત્નોમાં તંત્ર કયાંકને કયાંક સ્થાનિકોના આક્રોશનો પણ ભોગ બની રહ્યુ છે, પછી ભલેને તે કામ ગેરકાયદેસરનું કેમ ન હોય. આ બતાવે છે કે ગરીબોની હાય તેને લાગી છે. આના પગલે સ્વાભાવિક રીતે ભાજપે આંચકો અનુભવ્યો હતો. રાજકોટ સૌરાષ્ટ્રમાં આમ પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તેમાં ભાજપની આખી પેનલ સાફ થશે તેની બરોબર નોંધ લેવામાં આવશે.
આ પહેલા ભુજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી થઈ છે. આખા ગુજરાતમાં બીજે કયાંય નહીં પણ ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં AIMIMની આખી પેનલ જીતી ગઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે ખ્ત્પ્ત્પ્ની એન્ટ્રી થઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત નવું જ રાજકીય પરિબળ ઉમેરાયું છે. આમ ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં ત્રિકોણીય જંગથી ચતુષ્કોણીય બનશે તો આ?ર્ય નહીં થાય.આ પહેલા પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ અકબંધ રહ્યો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગા સાથે મળીને તેમની પેનલે આ બેઠક પર જંગી વિજય મેળવ્યો, વિરોધી પક્ષોને સંપૂર્ણપણે હરાવ્યા. આ બતાવે છે કે કુતિયાણામાં ભાજપ કે કોંગ્રેસ નહી પણ કાંધલ જાડેજાનું જ વર્ચસ્વ છે. જો કે કુતિયાણા નગરપાલિકા તો ભાજપે જ કબ્જે કરી હતી
ભાજપના ગઢમાં સૌથી મોટું ગાબડું પડ્યું છે. ૨૪ સીટો પૈકી ૨૦ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો લહેરાયો છે. કાર્યકરો સહિત ટેકેદારોમાં ખુશી વ્યક્ત કરી છે. વડાલી પાલિકામાં ૪ સીટ પર ભાજપનો વિજય મેળવ્યો છે.
અમરેલી નગરપાલિકામાં ૪૪ પૈકી ૩૦ બેઠક પર ભાજપની જીત
અમરેલી નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ભાજપે ૪૪ પૈકી ૩૦ બેઠક પર જીત હાંસલ કરી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૨૩માં ભાજપની પેનલ જીતી
જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
જામ ખંભાળિયા નગરપાલિકામાં ૩૬માંથી ૩૦ બેઠકો જીતીને મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આમ આદમી પાર્ટીએ ૫ બેઠકો સાથે ખાતું ખોલાવ્યું જ્યારે ૧ બેઠક અપક્ષના ફાળે ગઈ છે. ભાજપે લગભગ વોર્ડમાં પેનલ વિજય મેળવીને વિરોધ પક્ષોનો સફાયો કર્યો.
વડોદરા કોર્પોરેશન ચૂંટણીઃ વોર્ડ-૧માં કોંગ્રેસનો ગઢ ધરાશાયી, અપક્ષ અને ભાજપનો વિજય.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર ૧માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતા ભાજપ અને અપક્ષે મેદાન માર્યું છે. ૨૦૨૧માં આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી, પરંતુ આ વખતે આંતરિક મતભેદો અને ટિકિટ વહેંચણીના વિવાદને કારણે પક્ષે ત્રણ બેઠકો ગુમાવવી પડી છે. આ ચૂંટણીમાં ભાજપના કુંદનબેન ટેલર (૧૨,૫૩૫ મત) અને ભુરસીંગ રાઠવા (૧૦,૧૦૬ મત) વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસમાંથી માત્ર પુષ્પાબેન વાઘેલા (૧૩,૩૪૧ મત) પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે. સૌથી મોટો ઉલટફેર કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર હરીશ પટેલે સર્જ્યો છે, જેઓ અપક્ષ તરીકે લડીને ૧૩,૩૭૨ મતોની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબેન રાવતને ૧૧,૯૨૦ મત મળવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, જે કોંગ્રેસ માટે મોટો આંચકો ગણાય છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો વિજય
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે અને ફરી એકવાર સત્તા જાળવી રાખી છે. કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપે ૩૦ બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ પ્રભુત્વ સ્થાપ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને ૫ બેઠકો મળી છે, જ્યારે ૧ બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. આ પરિણામોથી સમગ્ર જિલ્લામાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે.
મોરબીમાં ભાજપનું ક્લિનસ્વીપ
મોરબી મહાનગરપાલિકામાં તમામ ૫૨ બેઠકો પર ભાજપ જીતી ગયો છે. આ સાથે કોંગ્રેસ અને અપક્ષના ખાતામાં એક બેઠક પણ આવી શકી નહોતી.
વડોદરાના ડભોઈ નપામાં કોંગ્રેસ તો સુરત મનપામાં ભાજપ છવાયો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૨૧માં ભાજપની પેનલ જીતી
વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી, કોંગ્રેસ ૨૫ બેઠક ભાજપ ૧૫ બેઠક
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૬ માં ભાજપની પેનલ જીતી
કરજણમાં મિયાગામ અને કંડારી બેઠક પર ભાજપનો કબજો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૨૬ માં ભાજપની પેનલ જીતી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૮ માં ભાજપની પેનલ જીતી
ઉનામાં ગાયિકા રાજલ બારોટ જીતી
ઉના ન.પા.ની બેઠક પર ગાયિકા રાજલ બારોટની જીત
સુરતમાં અલ્પેશ કથીરિયાની પત્નીની જીત
સુરત મનપાની વોર્ડ નં.૩ બેઠક પર અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાની જીત
નવસારી મનપામાં કેસરિયો
નવી મનપા બન્યા બાદ નવસારીમાં પહેલીવાર ચૂંટણીમાં આ વખતે કેસરિયો લહેરાયો છે. ૫૨માંથી ૫૦ બેઠક પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસને ફક્ત ૨ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
સુરતમાં આમ આદમી પાર્ટીનું હજુ ખાતુ નથી ખુલ્યું
જોકે સુરતમાં ગત વખતની ચૂંટણીમાં સુરતમાં ચમત્કાર કરનાર આમ આદમી પાર્ટી હજી સુધી તેનું ખાતું પણ ખોલાવી શકી નથી.
સુરતમાં ૫ વર્ષે કોંગ્રેસનું ખાતું ખુલ્યું
૫ વર્ષ બાદ સુરતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. અહીં વૉર્ડ નંબર ૧૨ની બેઠક પર અરશદ ઝરીવાલાનો વિજય થયો છે.
વાપી મનપામાં આપ-કોંગ્રેસને ઝટકો, અપક્ષની પેનલ જીતી
વાપીથી આપ અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં એક અપક્ષની પેનલ પણ જીતી ગઈ છે.
વિરમગામમાં ભાજપને બહુમતી મળી
અમદાવાદ જિલ્લાની રાજકીય રીતે અત્યંત મહત્વની એવી વિરમગામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી લીધી છે. ૩૬ બેઠકો ધરાવતી આ પાલિકામાં ભાજપે મેજિક ફિગર એટલે કે ૧૯ બેઠકોનો આંકડો પાર કરી લેતા સત્તામાં વાપસી નિ?તિ બની છે. વિરમગામમાં મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપની રણનીતિ સફળ રહી હતી, જેમાં ૧૩ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજે જ્યારે અન્ય બેઠકોની મત ગણતરી હાથ ધરાઈ, ત્યારે ભાજપે વધુ ૬ બેઠકો પર વિજય મેળવીને કુલ ૧૯ બેઠકોનો આંકડો સ્પર્શી લીધો છે.
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરીની હાર
અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરની જીત થઈ છે. તેમની સામે ઊભેલા ભાજપના ઉમેદવાર સોનલબેન ડેરની હાર થઈ છે. નોંધનીય છે કે, સોનલબેન જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી છે.
માયા આહીરના ગામમાં ભાજપની હાર કોંગ્રેસ જીત્યું
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકા પંચાયતની બોરડા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઝવેર ભાલિયા ૩૬૭ મતે વિજેતા થયા છે. નોંધનીય છે કે, બોરડા લોકસાહિત્યકાર માયા આહીરનું ગામ છે.
રાજુ કરપડાનો ૨૫૩૩ મતથી વિજય
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની જીત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી ૨ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાનો ૨૫૩૩ મતથી વિજય થયો છે.
વલસાડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સૂપડા સાફ
કુલ ૩૨ બેઠકમાંથી ૩૧ બેઠક પર ભાજપની જીત થઈ છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. કોંગ્રેસ વલસાડ તાલુકા પંચાયતમાં ખાતું ખોલાવી શકી નથી.
રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતાની હાર!
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોવિયા બેઠક પરથી ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાંગરનો આ બેઠક પર પરાજય થયો છે.
પૂર્વ IPS મનોજ નિનામાની હાર
અરવલ્લીની ઓડ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મનોજ નિનામા ૨૭૦૦ મતોથી હાર્યા છે. કોંગ્રેસ ઉમેદવારનાં સુરેશ નિનામાની જીત થઈ છે.
અર્જુન મોઢવાડિયાના ગામમાં આપની જીત
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામમાં આપની જીત થઈ છે. પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે. આપના ઉમેદવાર શાંતિબેન મોઢવાડિયાની જીત થઈ છે. નોંધનીય છેકે, પોરબંદર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે.
ભરૂચઃ કોંગ્રેસના ઉમેદવાર એક મતથી જીત
ભરૂચની પાલેજ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહસિન પઠાણની એક મતના અંતરથી જીત મેળવી છે.
વડીયામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય
અમરેલી જિલ્લાના વડીયા તાલુકા પંચાયતમાં બાંભણિયા બેઠક પર ભાજપના ઉમેદવાર આરતીબેન ગજેરા વિજેતા, વડીયાની તાલુકા પંચાયતની મોટી કુકાવાવ બેઠક પર ભાજપના ઉમેદવાર નેહાબેન ગોંડલીયા વિજેતા, વડીયાની તાલુકા પંચાયતની મોટી કુંકાવાવ-૨ બેઠકમાં ભાજપના ઉમેદવાર નિરાલીબેન સાનીયા વિજેતા, વડીયાની તાલુકા પંચાયતની અમરાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર મનોજ હપાણી વિજેતા, વડીયા તાલુકા પંચાયતની તોરી બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલબેન પાનસુરિયા વિજેતા, વડીયા તાલુકા પંચાયતની મોટા ઉજળા બેઠક પર ભાજપના ઉમેદવાર હંસાબેન સખવાળા વિજેતા થયા છે. જ્યારે વડીયા જિલ્લા પંચાયતની મોટી કુકાવાવ બેઠક પર ભાજપ ઉમેદવારના કમલેશ ચૌહાણ વિજેતા અને જિલ્લા પંચાયતની દેવગામ બેઠક પર ભાજપના ઉમેદવાર ગાયત્રીબેન સંજયભાઈ વાળા વિજેતા થયા છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની આ બેઠક પર ભાજપની જીત
ગાંધીનગર જિલ્લા પંચાયતની સાંતેજ બેઠક પર ભાજપના ઉમેદવાર રશ્મિજી ઠાકોર, ચિલોડા બેઠક પર ભાજપના ઉમેદવાર દિલીપસિંહ લાલસિંહ સોલંકી, ડભોડા બેઠક પર ભાજપના આનંદીબેન ઠાકોર, ઈટાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ ઠાકોર અને બિલોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર વાસવદતા પટેલ વિજય થયા છે.
મહીસાગર જિલ્લા પંચાયતની આ બેઠક પર ભાજપની જીત
મહીસાગર જિલ્લા પંચાયતમાં બટકવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ બામણિયાનો વિજય, બાકોર બેઠક પર ભાજપના ભાવનાબેન પટેલની જીત અને વડદલા બેઠક પર ભાજપના મંજુલાબેન ગરાસિયાની જીત થઈ છે.
જિલ્લા પંચાયતમાં જાવલી બેઠક પર AAPની જીત
નર્મદા જિલ્લા પંચાયતમાં જાવલી બેઠક પર AAPના ઉમેદવાર ડો. દયારામ વસાવાની ૮૯૧૮ મતથી જીત થઈ છે. જ્યારે ભરૂચ જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક પર ભાજપના ઉમેદવાર વિપુલ પટેલની જીત થઈ છે. બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતની દશરથ બેઠક ભાજપે કબજે કરી છે.
ખેરા તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવારની જીત
રાજુલાની જુની બારપટોળી તાલુકા પંચાયત બેઠક ભાજપના ઉમેદવાર હનીબેન વાઘનો વિજય, બર્બટાણા તાલુકા પંચાયતની બેઠક ભાજપનાં ઉમેદવાર હેતલબેન કામળિયા ૪૦૦ મતોથી જીત, ચાંચ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હંસાબેન ગુજરિયાનો વિજય, જ્યારે ખેરા તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રામજીભાઈ ગુજરિયાની જીત થઈ છે.
પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર
જૂનાગઢની ભેંસાણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે, આપ સાથે છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ૧૭૦૦ મતોથી પરાજય થયો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાની જીત થઈ છે.
છોટા ઉદેપુર જિલ્લામાં આપના ઉમેદાવરની જીત
છોટા ઉદેપુરઃ જિલ્લા પંચાયતની નવગામ બેઠક ઉપર આપના ઉમેદવાર ઈશ્વર નટુભાઈ ૯૨૧૩ મતોથી જીત મેળવી છે. તાલુકા પંચાયતની વંકલા બેઠકથી આપના ઉમેદવાર મહેન્દ્ર રાઠવા ૧૮૦૬ મતોથી વિજેતા થયા છે. પાવી જેતપુરની તાલુકા પંચાયતની ભેંસાવહી બેઠકથી ભાજપના ઉમેદવાર વિષ્ણુભાઈ કવા રાઠવા ભાજપની ૧૪૮૭ મતોથી વિજેતા થયો છે. સંખેડાની માલુ તાલુકા પંચાયતની બેઠકથી ભાજપના ઉમેદવાર નરપતભાઈ મણિલાલ રાઠવા ૧૪૫૦ મતથી જીત્યા છે.
સુરત જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતમા આપની જીત
સુરત જિલ્લાના સટવણ, ધાણાવડ અને ઉંમરગોટ તાલુકા પંચાયતની બેઠકા પર AAPની જીત થઈ છે.
કેશોદના મોટી ઘંસારી તાલુકા પંચાયતની ટાઈમાં ચિઠ્ઠી ઉછાળતા આપની જીત
જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ છે. મોટી ઘંસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ થતા બંને ઉમેદવાર વચ્ચે ચીઠ્ઠી નંખાઈ હતી. જેમાં AAPના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે.
જિલ્લા પંચાયતની અમરાપુર બેઠક પર આપની જીત
જૂનાગઢ જિલ્લા પંચાયતના માળિયાહાટીના તાલુકાની અમરાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત
કોંગ્રેસનું ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં સમીકરણો બદલાયા છે. અહીં ભાજપે એન્ટ્રી મારી છે. વોર્ડ ૧, ૨,૪ અને ૬માં તો કોંગ્રેસનું વર્ચસ્વ હતું પણ વોર્ડ ૫ માં ૩ ભાજપ અને ૧ કોંગ્રેસી ઉમેદવાર જીત્યા હતા.
અમદાવાદના બાપુનગર વૉર્ડમાં પેનલ તૂટી
કોંગ્રેસના બે ઉમેદવારો જીતતા બાપુનગરમાં પેનલ તૂટી હતી.
સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ
સુરતના વોર્ડ નંબર ૧૯ના મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. કોંગ્રેસ નેતા અસલમ સાઈકલવાલાના પુત્રની હાર બાદ ભાજપના કાર્યકરોએ ૅપંચર.. પંચર..ૅની બૂમો પાડી હતી, જેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.
ધોળકા નગરપાલિકામાં ભાજપનો કેસરિયો
અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. ૩૬ બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે ૧૧ બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો. આજે મત ગણતરી દરમિયાન વધુ ૧૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતા, પક્ષે કુલ ૨૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મત ગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
મોરબીમાં ૫૮.૭૫ ટકા, મહેસાણામાં ૫૩.૩૩ ટકા, નડિયાદમાં ૫૬. ૫ ટકા, નવસારીમાં ૫૯.૬૮ ટકા, વાપીમાં ૬૫.૬૮ ટકા, કરમસદ-આણંદમાં ૫૫.૨૩ ટકા, સરેન્દ્રનગરમાં ૫૨.૩૯ ટકા, સુરતમાં ૫૩.૮૫ ટકા, ભાવનગરમાં ૪૭.૨૬ ટકા, વડોદરામાં ૪૭.૦૧ ટકા, જામનગરમાં ૫૧.૭૧ ટકા, રાજકોટમાં ૪૬.૫૪ ટકા, ગાંધીધામમાં ૪૧.૭૮ ટકા, પોરબંદરમાં ૪૧.૬૭ ટકા અને અમદાવાદમાં ૪૫.૭૨ ટકા મતદાન નોંધાયું હતું. નગરપાલિકામાં અત્યાર સુધી ૫૯.૮૧ ટકા મતદાન થયું છે. જિલ્લા પંચાયતોમાં સરેરાશ ૬૧.૮૩ ટકા મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયતોમાં ૬૨.૦૫ ટકા મતદાન થયું છે.

(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
