<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

"બિલની હાર પર કોંગ્રેસની ઉજવણી એ નારી શક્તિનું અપમાન": પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં વિપક્ષના અહંકારને ઝાટક્યો, કહ્યું- દેશની મહિલાઓ આ દગો ક્યારેય નહીં ભૂલે!

સંસદમાં વિપક્ષે મહિલાઓના સપનાઓને ક્રૂરતાથી કચડી નાખ્યા: "આ માત્ર ટેબલ થપ્પડ નહોતી, પણ દેશની અડધી વસ્તીના આત્મસન્માન પર હુમલો હતો" – માફી માંગતા પીએમ મોદીએ વિપક્ષને સજા કરવા જનતાને હાકલ કરી

નવી દિલ્હી : લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ (નારી શક્તિ વંદન સુધારા બિલ) પરાજિત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. અત્યંત ગંભીર અને આક્રમક અંદાજમાં પીએમ મોદીએ આ હાર માટે સીધો જ વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ગઈકાલે જ્યારે બિલની હાર થઈ ત્યારે વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવેલી ઉજવણી અને તાળીઓનો ગડગડાટ એ દેશની લાખો માતાઓ અને બહેનોના સન્માન પર કરવામાં આવેલો પ્રહાર હતો.
"વિપક્ષે નારી શક્તિની ઉડાન અટકાવી દીધી"
પીએમ મોદીએ સંબોધનમાં ભાવુક થતા જણાવ્યું કે, "ગઈકાલે દેશભરની લાખો મહિલાઓ આશાભરી નજરે સંસદ તરફ જોઈ રહી હતી, પરંતુ કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોએ પોતાના સ્વાર્થી રાજકારણને કારણે મહિલાઓના સપનાઓને ક્રૂરતાથી કચડી નાખ્યા છે." તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકારે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ વિપક્ષના અવરોધને કારણે નારી શક્તિ વંદન કાયદામાં સુધારો થઈ શક્યો નહીં. આ પક્ષો માટે રાષ્ટ્રીય હિત કરતાં પાર્ટીનું હિત મોટું બની ગયું છે.
મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી - પીએમ મોદી
વિપક્ષી નેતાઓને ચેતવણી આપતા વડાપ્રધાને કહ્યું કે, "મહિલાઓ બધું જ ભૂલી શકે છે, પરંતુ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી." જ્યારે પણ આ નેતાઓ પોતપોતાના મતવિસ્તારમાં જશે, ત્યારે જનતા તેમને યાદ અપાવશે કે આ જ એ લોકો છે જેમણે સંસદમાં મહિલાઓના અધિકારો રોકવા પર ઉજવણી કરી હતી. પીએમ મોદીએ દેશની તમામ માતાઓ અને બહેનોની માફી માંગતા કહ્યું કે વિપક્ષે બંધારણના સ્થાપકોની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે અને જનતા તેમને આ પાપની સજા ચોક્કસ આપશે.
"સંકલ્પ અડગ છે, અમે હાર માનનારા નથી"
સંખ્યાબળના અભાવે બિલની હાર થઈ હોવા છતાં પીએમ મોદીએ મહિલાઓને આશ્વાસન આપતા કહ્યું કે, "ગઈકાલે અમારી પાસે સંખ્યાનો અભાવ હતો, એનો અર્થ એ નથી કે અમે હારી ગયા. અમારો સંકલ્પ અટલ છે." તેમણે ખાતરી આપી હતી કે ભાજપ સરકાર દરેક અવરોધ દૂર કરીને મહિલાઓને તેમના અધિકારો અપાવશે. "મારે દેશના ભવિષ્ય માટે આ સંકલ્પ પૂર્ણ કરવો જ પડશે અને નારી શક્તિ વંદન કાયદો એક દિવસ ચોક્કસ પસાર થશે," તેમ કહી તેમણે પોતાના મક્કમ ઈરાદા જાહેર કર્યા હતા.
સંસદમાં થયેલી આ રાજકીય ખેંચતાણ બાદ હવે દેશભરમાં મહિલા અનામતનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે, અને આગામી ચૂંટણીઓમાં આ મુદ્દો ભાજપ માટે એક મોટું હથિયાર બને તેવા સ્પષ્ટ સંકેત પીએમ મોદીના આ ભાષણથી મળી રહ્યા છે.

(10:42 PM IST)