તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Thursday, 5th November 2026
કોંગ્રેસના દિગ્વિજય સિંહના હિન્દુત્વ અંગેના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું, ભાજપ નેતા વિશ્વાસ સારંગનો આકરો પ્રહાર
પદયાત્રા દરમિયાન દિગ્વિજય સિંહે નફરત ફેલાવવાનો આક્ષેપ કરતા ભાજપ મંત્રીએ ઝાકિર નાઇકના મુદ્દે વળતો જવાબ આપી સોપારી લીધાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો

ભોપાલ, તા.૦૫: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પોતાની પદયાત્રા દરમિયાન હિન્દુત્વ અંગે આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને કારણે દેશના રાજકારણમાં નવો સંગ્રામ શરૂ થયો છે. ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ગુના જિલ્લામાંથી પસાર થઈ રહેલી પોતાની પદયાત્રા દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે નફરત ફેલાવવી એ જ હિન્દુત્વ છે. તેમના આ નિવેદન બાદ મધ્ય પ્રદેશના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમની આકરી ઝાટકણી કાઢીને વળતો પ્રહાર કર્યો છે.
દિગ્વિજય સિંહે પદયાત્રા દરમિયાન પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, "અમારો એક જ સંદેશ છે, સનાતન ધર્મ તમામ ધર્મોનું સન્માન કરે છે અને વિશ્વનું કલ્યાણ ઈચ્છે છે. આ જ સાચો સનાતન ધર્મ છે. જ્યારે બીજી તરફ નફરત ફેલાવવી એ જ હિન્દુત્વ છે. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને સાવરકરજીને પોતાના નેતા માનનારા લોકોએ જાતે જ કહ્યું હતું કે હિન્દુત્વને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી."
કોંગ્રેસ નેતાના આ નિવેદન પર મધ્ય પ્રદેશ સરકારના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિશ્વાસ કૈલાશ સારંગે અત્યંત કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ સમગ્ર યાત્રાને સમાજમાં વિભાજન અને નફરત ફેલાવનારી ગણાવી હતી. સારંગે જણાવ્યું હતું કે, "ઝાકિર નાઇકના મંચ પર જઈને તેના ગુણગાન ગાનારા દિગ્વિજય સિંહને હિન્દુઓ ખરાબ લાગે છે. તેમણે સનાતન અને હિન્દુત્વને બદનામ કરવાની સોપારી લીધી છે."
રાજકીય વર્તુળોમાં ચર્ચામાં રહેલી આ 'સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા' દિગ્વિજય સિંહ દ્વારા વિજયાદશમીના પવિત્ર દિવસે ઉજ્જૈનથી શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રા આશરે ૯૩૦ કિલોમીટરનું અંતર કાપીને ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પૂર્ણ થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન સંસ્કૃતિના આદર્શો, સત્ય અને પારદર્શિતાનો પ્રચાર કરવાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
યાત્રા દરમિયાન રામ મંદિરના ચઢાવામાં થયેલી કથિત નાણાકીય ગડબડ અને ચોરી સામે પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. દિગ્વિજય સિંહે આ મામલે પોતાના દાનની રકમ પરત મેળવવા માટે કોર્ટના દરવાજા ખટખટાવવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો પર દાનમાં પારદર્શિતા અને નાણાકીય નિષ્પક્ષ તપાસ જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવાનો આક્ષેપ રજૂ કરાયો છે.
દિગ્વિજય સિંહના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવનારી ચૂંટણીઓ અને રાજકીય સમીકરણો વચ્ચે સનાતન ધર્મ અને હિન્દુત્વની વ્યાખ્યાને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો આ વાગ્યુદ્ધ આગામી દિવસોમાં વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
