તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
કોંગ્રેસને કોર્પોરેટ જગતથી ભારે આંચકો: દાનની રકમ ₹517 કરોડથી ઘટીને ₹130 કરોડ પહોંચી: 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો
લોકસભા ચૂંટણીઓ પછી પક્ષના ખજાનામાં મોટું વિસંગતતાનું મોજું: ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલા નાણાકીય આંકડાઓમાં 75 ટકાનો સીધો ધડાકો : પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળતી સહાયમાં પણ 88 ટકાનો મોટો ગાબડો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના વાતાવરણ અને રાજકીય સમીકરણો બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે નાણાકીય મોરચે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પાર્ટીને ₹20,000 થી વધુના જાહેર દાનમાં માત્ર ₹130.69 કરોડ જ પ્રાપ્ત થયા છે. ચૂંટણી પંચ સમક્ષ પક્ષ દ્વારા સુપરત કરવામાં આવેલા અધિકૃત યોગદાન અહેવાલોના વિશ્લેષણ મુજબ, પાછલા વર્ષે (2024-25) મળેલી ₹517.39 કરોડની તોતિંગ રકમની સરખામણીએ આ દાનમાં સીધો 75 ટકાનો મોટો ધડાકો નોંધાયો છે. છેલ્લા દાયકામાં કોંગ્રેસ પાર્ટીના વાર્ષિક ફંડિંગમાં નોંધાયેલો આ સૌથી તીવ્ર અને નાટ્યાત્મક ઘટાડો માનવામાં આવી રહ્યો છે.
આ અચાનક થયેલા નાણાકીય વિસંગતતાના મૂળમાં કોર્પોરેટ ઉદાસીનતા અને ચૂંટણી ટ્રસ્ટો તરફથી મળતા ફંડમાં થયેલો ઘટાડો મુખ્ય કારણ ગણાવાઈ રહ્યો છે. પક્ષના અહેવાલ અનુસાર, અગ્રણી ઇલેક્ટોરલ ફંડર 'પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ' તરફથી કોંગ્રેસને મળતું યોગદાન 2024-25 માં ₹216.34 કરોડ હતું, જે 2025-26 માં 88 ટકા ઘટીને માત્ર ₹25 કરોડ સુધી સીમિત થઈ ગયું છે. આ સિવાયના અન્ય મુખ્ય દાતાઓમાં સ્ટાર સિમેન્ટ (₹5 કરોડ), સજ્જન ભજનકા (₹4 કરોડ) અને પ્રેમ કુમાર ભજનકા (₹2 કરોડ) જેવા જ કેટલાક નામો બાકી રહ્યા છે, જે દર્શાવે છે કે મોટા કોર્પોરેટ હાઉસીસ અને ઔદ્યોગિક જૂથોએ પક્ષ તરફથી પોતાનું ધ્યાન નોંધપાત્ર રીતે હટાવી લીધું છે.
ચૂંટણી બોન્ડ યોજના બંધ થયા બાદ જાહેર કરાયેલા આ ડેટા પક્ષની નાણાકીય સ્થિતિની ગંભીરતા છતી કરે છે. સરખામણીના ત્રાજવે જોઈએ તો 2024-25 માં ભારતીય જનતા પાર્ટી (BJP) ને મળેલું જાહેર દાન ₹6,074.02 કરોડ હતું, જે કોંગ્રેસ કરતાં લગભગ 12 ગણું વધારે હતું. જોકે, ઓડિટેડ નાણાકીય અહેવાલ હજુ અપલોડ થવાનો બાકી હોવાથી પક્ષની કૂપન વેચાણ, સભ્યપદ ફી અને વ્યાજની કુલ આવક અંગે સ્પષ્ટતા થવાની બાકી છે. પરંતુ વર્તમાન સંજોગોમાં જાહેર દાનનો આ મોટો ઘટાડો પક્ષ માટે ભવિષ્યની રાજકીય પ્રવૃત્તિઓ અને ચૂંટણી સંગ્રામોના સંચાલન માટે એક મોટો પડકાર ઊભો કરી શકે છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
