તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
કૉંગ્રેસ દેશના વિદ્યાર્થીઓને રાજકીય હથિયાર બનાવી રહી છે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર ગંભીર આરોપો લગાવ્યા
વડાપ્રધાન આવાસ બહાર વિરોધ પ્રદર્શન કરીને સામાન્ય જનતાને અસુવિધા પહોંચાડી અને સુરક્ષા પ્રોટોકોલ પણ તોડ્યો : નીટ સહિતના તમામ મુદ્દાઓ પર સરકાર સંસદમાં ચર્ચા કરવા પૂરી રીતે તૈયાર છે

નવી દિલ્હી: વડાપ્રધાન આવાસની બહાર કૉંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કૉંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર એક વિસ્તૃત પોસ્ટ શેર કરીને ગંભીર આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે તેમનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના કૉંગ્રેસ નેતાઓએ વડાપ્રધાન આવાસ પાસે ધરણાં પ્રદર્શન કરીને સામાન્ય નાગરિકો માટે ભારે અસુવિધા ઊભી કરી હતી અને સુરક્ષા પ્રોટોકોલને પણ નેવે મૂકી દીધો હતો. ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં અર્થપૂર્ણ અને સાર્થક ચર્ચામાં ભાગ લેવાને બદલે કૉંગ્રેસે માત્ર રાજકીય સ્ટંટ અને પ્રદર્શનને પ્રાધાન્ય આપ્યું છે.
સરકારના વલણની સ્પષ્ટતા કરતાં તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર નીટ (NEET) પરીક્ષા અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા તમામ વાસ્તવિક પ્રશ્નો પર સંસદમાં વ્યાપક ચર્ચા કરવા માટે પહેલાથી જ સંપૂર્ણ રીતે તૈયાર હતી. આ સ્પષ્ટતા છતાં કૉંગ્રેસે લોકતાંત્રિક ચર્ચાનો માર્ગ છોડીને વિરોધ પ્રદર્શનનો રસ્તો પસંદ કર્યો હતો. કૉંગ્રેસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિવારણ કરવાનો નથી, પરંતુ સંસદની કામગીરીમાં વિક્ષેપ પાડીને માત્ર રાજકીય હેડલાઈન્સ મેળવવાનો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી માટે આ મુદ્દો વિદ્યાર્થીઓની ચિંતા કરવા કરતાં રાજકીય સંઘર્ષ ઊભો કરવાનું માધ્યમ બની ગયો છે. વિદ્યાર્થીઓને કોઈ પણ રાજકીય અભિયાનનો હિસ્સો ન બનાવવા જોઈએ, પરંતુ તેમને સ્થિરતા, યોગ્ય સંતોષકારક ઉકેલ અને જવાબદેહી મળવી જોઈએ. કેન્દ્ર સરકાર સંસદમાં નીટ સહિતના તમામ વિષયો પર ચર્ચા કરવા અને જરૂરી શિક્ષણ સુધારા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
