<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

કોંગ્રેસ ૩૦ ઓક્ટોબરે દિલ્હીમાં CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોક મહાભિયોગનું નેતૃત્વ કરશે

'વોટ ચોરી' સામે ઈન્ડિયા ગઠબંધનની આરપારની લડાઈ વચ્ચે ૧ નવેમ્બરે રામલીલા મેદાન ખાતે દસ લાખ લોકો સાથે દિલ્હી ચલો માર્ચનું આહ્વાન

નવી દિલ્હી : દેશમાં 'વોટ ચોરી' વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને વધુ તીવ્ર બનાવતા કોંગ્રેસે શનિવારે એક મોટો રાજકીય ધડાકો કર્યો છે. પાર્ટી દ્વારા ૩૦ ઓક્ટોબરે રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ "મોક મહાભિયોગ કાર્યવાહી" યોજવાની સત્તાવાર યોજના જાહેર કરવામાં આવી છે. દેશના બંધારણને બચાવવા અને મતચોરોને પરાજિત કરવાના હેતુથી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' દ્વારા આ આક્રમક જાહેર કાર્યવાહીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અંગેની વિગતો આપતા કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે ૩૦ ઓક્ટોબરે દિલ્હીની હોટેલ અશોક ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સીએમડી જ્ઞાનેશ કુમારને દૂર કરવાનો જનતાનો સ્પષ્ટ ચુકાદો આપવામાં આવશે, જેમાં કોંગ્રેસના તમામ સાંસદોને ફરજિયાત હાજર રહેવા જણાવાયું છે. ત્યારબાદ ૧ નવેમ્બરે રામલીલા મેદાન ખાતે પૂર્ણ થનારી વિશાળ 'દિલ્હી ચલો માર્ચ' યોજાશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તમામ ઘટક પક્ષોના નેતાઓને પૂરતી તાકાત સાથે દિલ્હીમાં એકઠા થવા વિનંતી કરી છે અને આ માર્ચમાં અંદાજે દસ લાખ ચિંતિત નાગરિકો જોડાશે.
બીજી તરફ, વિપક્ષના આ આક્રમક પ્લાન અને રામલીલા મેદાનમાં ૧૦ લાખ લોકોને એકત્ર કરવાના દાવાને પગલે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ મુખ્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાષ્ટ્રીય રાજધાનીની કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળો દ્વારા અગાઉ પણ ચૂંટણી પંચની કાર્યશૈલી અને ઈવીએમ તેમજ મતદાર યાદીઓના મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિપક્ષી ગઠબંધન દ્વારા યોજાનારા આ મહાભિયોગ અને દિલ્હી માર્ચને પગલે આગામી દિવસોમાં દેશની રાજધાનીમાં મોટો રાજકીય સંગ્રામ ખેલાવાની અને કાયદા-વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા કડક સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

(12:12 AM IST)