News of Thursday, 12th November 2026
કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ કરી વડાપ્રધાન મોદીની ખુલ્લી પ્રશંસા: વૈચારિક મતભેદો છતાં બંને વચ્ચે સારા સંબંધો હોવાનો કર્યો સ્વીકાર
પીએમ મોદીને કુશળ વકતા, અત્યંત મહેનતુ અને માયાળુ વ્યક્તિત્વ ગણાવતા રાજકીય ગલિયારામાં મચી ગઈ ચર્ચા, નીતિગત વિરોધ અને વ્યક્તિગત સંબંધો અલગ હોવાનું જણાવ્યું

નવી દિલ્હી :ભારતીય રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી છે. સેમ પિત્રોડાના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે અને વિવિધ તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક મુલાકાત દરમિયાન સેમ પિત્રોડાએ વડાપ્રધાન મોદીના વખાણ કરતા તેમને 'કુશળ વક્તા' અને 'અત્યંત મહેનતુ' ઇન્સાન ગણાવ્યા હતા. પિત્રોડાએ જણાવ્યું હતું કે ભલે તેમની અને વડાપ્રધાનની રાજકીય વિચારધારાઓ અલગ હોય અને નીતિઓ તથા દુનિયાને જોવાની દ્રષ્ટિને લઈને મતભેદો હોઈ શકે, પરંતુ વ્યક્તિગત સ્તરે તેઓ પીએમ મોદીનો ઘણો આદર કરે છે અને તેમની સાથે પારિવારિક સંબંધો પણ સારા છે.
તેમના અંગત અનુભવો શેર કરતા પિત્રોડાએ ઉમેર્યું હતું કે પીએમ મોદી તેમના 'ગુજરાતી મિત્ર' છે અને તેઓ સ્વભાવે ખૂબ જ માયાળુ, પ્રેમાળ અને ખ્યાલ રાખનાર વ્યક્તિ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વ્યક્તિની વિચારધારા સામે અસહમતી હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિગત રીતે તેની સાથે સારા સંબંધો ન રાખી શકાય, અને જરૂર પડ્યે તેઓ પીએમ મોદી સાથે બેસીને ભોજન પણ કરી શકે છે.
અગાઉના સમયમાં પણ કોંગ્રેસ પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ દ્વારા પીએમ મોદીના વક્તૃત્વ અને કાર્યશૈલી અંગે નિવેદનો આપવામાં આવ્યા છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવતો રહ્યો છે. હાલમાં સેમ પિત્રોડાના આ તાજેતરના નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે, અને આગામી સમયમાં આ મુદ્દે પક્ષની અંદર કે બહાર શું પ્રતિક્રિયાઓ આવે છે તેના પર સૌની નજર રહેશે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
