<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

આરએસએસ મુખ્યાલયની બહાર કોંગ્રેસ નેતા ઉદિત રાજ દ્વારા મનુસ્મૃતિ અને ગણવેશ સળગાવવાની ઘટનાથી રાજકારણમાં ભારે ગરમાવો; દિલ્હી પોલીસે કરી અટકાયત

મલ્લિકાર્જુન ખડગેના કથિત અપમાન અને રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થયેલી એફઆઈઆરના વિરોધમાં ઉગ્ર દેખાવો; 'દેશ મનુસ્મૃતિથી નહીં પરંતુ બંધારણથી ચાલશે'ના નારા સાથે કોંગ્રેસી નેતાઓએ સરકાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ અચાનક તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને અસંગઠિત કામદાર તથા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ ડૉ. ઉદિત રાજના નેતૃત્વમાં કાર્યકરોએ આરએસએસ (RSS) ના કેશવ કુંજ મુખ્યાલયની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ 'મનુસ્મૃતિ' અને આરએસએસના ગણવેશની નકલો જાહેરમાં સળગાવી હતી, જેના કારણે ભારે હંગામો મચી ગયો હતો. આ વિવાદાસ્પદ પ્રદર્શન બાદ દિલ્હી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઉદિત રાજ સહિતના અનેક કાર્યકરોની અટકાયત કરી લીધી છે.

 

મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના હલ્દવાની ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી પછી ભાજપ સાથે સંકળાયેલા લોકો દ્વારા તે સ્થળને 'શુદ્ધ' કરવાના વિવાદ બાદ આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઘટના સામે રાહુલ ગાંધીએ અવાજ ઉઠાવીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ દોષિતો સામે પગલાં લેવાને બદલે ઊલટાનું રાહુલ ગાંધી વિરુદ્ધ જ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર અને ભાજપ સામે મોરચો ખોલ્યો છે.

 

બંધારણ પર હુમલો કરવાનો આરોપ

અટકાયત પહેલાં મીડિયા સાથે વાત કરતા ડૉ. ઉદિત રાજે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે એક તરફ દેશના બંધારણ, સામાજિક સમાનતા અને નાગરિકોના સન્માનને નષ્ટ કરવાનું ગંભીર કાવતરું રચવામાં આવી રહ્યું છે, અને બીજી તરફ આ અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓ પર જ ગુનાહિત કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જાતિના આધારે કોઈપણ વ્યક્તિનું અપમાન એ માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર દલિત સમુદાયનું અપમાન છે, જે બંધારણીય મૂલ્યો પર સીધો પ્રહાર છે. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા કે આ દેશ કોઈ ગ્રંથ કે મનુસ્મૃતિથી નહીં, પરંતુ માત્ર અને માત્ર ભારતના સંવિધાનથી જ ચાલશે. આ ઘટના બાદ રાજકીય ગલિયારામાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.

(7:56 PM IST)