News of Wednesday, 15th April 2026
પંજાબમાં કોંગ્રેસનો 'મેગા પ્લાન': ૨૦૨૭ નો જંગ જીતવા ૩ લાખ કાર્યકરોની ફોજ તૈયાર, પાયાના સ્તરેથી સંગઠનને બેઠું કરવા રાજા વારિંગનો માસ્ટરસ્ટ્રોક!
'સંગઠન સૃજન અભિયાન' હેઠળ બ્લોક અને જિલ્લા સ્તરે નિમણૂકોનું પૂર: દરેક વિધાનસભા બેઠક પર કાર્યકરોનું જાળું બિછાવી પક્ષમાં ફૂંકાયો નવો પ્રાણ

ચંદીગઢ : પંજાબમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા વાપસી કરવા માટે કોંગ્રેસે અત્યારથી જ કમર કસી લીધી છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) ના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે પક્ષના ઇતિહાસમાં સંગઠન સ્તરે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. પક્ષના માળખાને જડમૂળથી મજબૂત કરવા માટે જિલ્લા અને બ્લોક સ્તરે અંદાજે ૩ લાખ કાર્યકરોની નિમણૂક કરીને કોંગ્રેસે વિરોધીઓને મોટો સંકેત આપ્યો છે.
સંગઠન સૃજન અભિયાન: ઘરઘર સુધી પહોંચવાની રણનીતિ
પક્ષ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'સંગઠન સૃજન અભિયાન' અંતર્ગત આ નિમણૂકો કરવામાં આવી છે.
• વિશાળ માળખું: રાજ્યની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો પર ૫૧ સભ્યોની જિલ્લા સમિતિઓ અને ૩૧ સભ્યોની બ્લોક સમિતિઓની રચના કરવામાં આવી છે.
• ડેડલાઈન: પક્ષે ૩૦ એપ્રિલ સુધીમાં મંડલ સ્તરના પ્રમુખોની નિમણૂક સાથે આ આખી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
• જાતિ અને પ્રાદેશિક સંતુલન: આ નિમણૂકોમાં માત્ર વફાદારી જ નહીં, પરંતુ પંજાબના જ્ઞાતિ સમીકરણો અને પ્રાદેશિક સંતુલનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી દરેક વર્ગના લોકોને પક્ષમાં પ્રતિનિધિત્વ મળે.
રાહુલ ગાંધીના 'યુવા પરિવર્તન'ની ઝલક
પીપીસીસીના મહાસચિવ કેપ્ટન સંદીપ સંધુએ જણાવ્યું કે, આ ફેરફારો ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC) ની મંજૂરી બાદ કરવામાં આવ્યા છે. ૨૦૨૨માં રાજા વારિંગે પદ સંભાળ્યું ત્યારપછી આ બીજું મોટું પુનર્ગઠન છે. આ અભિયાન રાહુલ ગાંધીના એ વિઝનનો ભાગ છે જેમાં પક્ષમાં નવી પેઢીના અને વિચારધારા સાથે જોડાયેલા 'તટસ્થ' કાર્યકરોને આગળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આગામી બે મહિના નિર્ણાયક
પાયાના સ્તરે સમિતિઓ તૈયાર થયા બાદ હવે રાજ્ય સ્તરના પદાધિકારીઓની નિમણૂક પર નજર છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી બે મહિનામાં પંજાબ કોંગ્રેસના રાજ્ય સ્તરના હોદ્દેદારોના નામ જાહેર થઈ શકે છે. કોંગ્રેસના આ 'ગ્રાઉન્ડ લેવલ'ના આક્રમક અભિગમે પંજાબના રાજકારણમાં અત્યારથી જ ગરમાવો લાવી દીધો છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
