<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

“કોંગ્રેસની માનસિકતા ભારતીય નહીં પણ વિદેશી છે!”: ભાજપનો કોંગ્રેસના નેતૃત્વ પર આકરો પ્રહાર, દેશને વિભાજિત કરવાનો લગાવ્યો ગંભીર આરોપ

નીતિન નવીન અને શહજાદ પૂનાવાલાના નિવેદનોથી રાજકીય ગરમાવો: રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોને ગણાવ્યા દેશ વિરોધી કાવતરાં

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચેનો રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. સોમવારે ભાજપે કોંગ્રેસના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કોંગ્રેસનું નેતૃત્વ 'વિદેશી માનસિકતા' ધરાવે છે અને વિદેશી શક્તિઓના ઈશારે દેશને નબળો પાડવાનું કામ કરી રહ્યું છે. રવિવારે હૈદરાબાદમાં ભાજપના નેતા નીતિન નવીને કરેલી આકરી ટીકા બાદ હવે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ આ મામલે કોંગ્રેસને ઘેરી છે.
‘ઇટાલિયન’ અને ‘ઇસ્લામાબાદ’ના નામથી કોંગ્રેસની ટીકા
નીતિન નવીનના નિવેદનને સમર્થન આપતા શહજાદ પૂનાવાલાએ પલટવાર કરતા કહ્યું કે, હવે આ પાર્ટી 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ' રહી નથી, પરંતુ તે 'ઇટાલિયન રાષ્ટ્રીય કોંગ્રેસ' અથવા 'ઇસ્લામાબાદ રાષ્ટ્રીય કોંગ્રેસ' જેવી વર્તણૂક કરી રહી છે. પૂનાવાલાએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના નેતૃત્વનું શરીર ભલે ભારતમાં હોય, પરંતુ તેમની વિચારધારા અને માનસિકતા સંપૂર્ણપણે વિદેશી છે, જે ભારતની એકતા અને અખંડિતતા માટે જોખમી છે.
રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર ભાજપની નજર
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા ભાજપે આરોપ લગાવ્યો કે તેઓ વિદેશની ધરતી પર જઈને ભારતની અર્થવ્યવસ્થા, લોકશાહી અને સાર્વભૌમત્વની સતત ટીકા કરે છે. પૂનાવાલાએ સવાલ ઉઠાવ્યો કે, શું રાહુલ ગાંધી વિદેશમાં રહીને ભારત વિરુદ્ધ કોઈ નવું કાવતરું ઘડી રહ્યા છે? તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને દેશના સશસ્ત્ર દળો પર પ્રશ્નો ઉઠાવે છે અને દેશની સંસ્થાઓને બદનામ કરવાનું કામ કરે છે.
જાતિવાદનો એજન્ડા અને વિદેશી ફંડિંગના આક્ષેપો
ભાજપના પ્રવક્તાએ રાહુલ ગાંધી પર દેશને જાતિના આધારે વિભાજીત કરવાનો એજન્ડા ચલાવવાનો પણ આરોપ લગાવ્યો છે. પૂનાવાલાએ દાવો કર્યો કે, રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસ જેવી વ્યક્તિઓ પાસેથી ફંડિંગ અને કોન્ટ્રાક્ટ લઈને દેશની સંસ્થાઓ પર હુમલો કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ભાજપનો રાજકીય વિરોધ કરવાને બદલે હવે કોંગ્રેસ સીધી ભારત અને ભારતીય રાષ્ટ્રનો જ વિરોધ કરી રહી છે, જે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી."

(6:22 PM IST)