<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

"કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે": રાહુલ ગાંધીના 'મોદી સરકાર એક વર્ષમાં પડી જશે' નિવેદન મુદ્દે ભાજપનો આકરો વળતો પ્રહાર, પીયૂષ ગોયલે ગણાવ્યું 'ગંભીર ષડયંત્ર'

રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે સરકાર અને ભાજપ પોતાના નિર્ણયો ઉલટાવી રહ્યા છે, વિપક્ષ મોદી સરકાર પર પ્રભુત્વ મેળવી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જવાબ આપતા કહ્યું - "જનાદેશનું અપમાન કરનારું નિવેદન, કોંગ્રેસ લોકશાહીને અસ્થિર કરવા માંગે છે"

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના 'મોદી સરકાર એક વર્ષમાં પડી જશે'ના નિવેદન મુદ્દે ભાજપે આકરો વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાહુલના નિવેદનને 'ગંભીર ષડયંત્ર' ગણાવતા આક્ષેપ કર્યો કે કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી દેશમાં હિંસા ભડકાવવા માંગે છે.

 

*રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?*

બજેટ સત્ર દરમિયાન સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે "પહેલીવાર એવું લાગ્યું કે વિપક્ષ મોદી સરકાર પર પ્રભુત્વ મેળવી રહ્યું છે". રાહુલે દાવો કર્યો હતો કે તેમના આક્રમક વલણને કારણે મોદી સરકાર માટે સમસ્યા ઊભી થઈ છે અને સરકાર તથા ભાજપ પોતાના નિર્ણયો ઉલટાવી રહ્યા છે. 

 

આ દરમિયાન રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક _ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની_ના અંશો વાંચવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ગૃહમાં હોબાળો થયો હતો. 

 

*પીયૂષ ગોયલનો વળતો પ્રહાર*

રાહુલના 'સરકાર પડી જશે' નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, "આ નિવેદન દેશના જનાદેશનું અપમાન છે. 2024માં જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી આપી છે. એક વર્ષમાં સરકાર પડી જશે એવી વાત કરીને રાહુલ ગાંધી દેશને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે".

 

ગોયલે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી વિદેશી શક્તિઓની મદદથી દેશમાં હિંસા ભડકાવવા માંગે છે. જ્યારે પણ દેશ પ્રગતિ કરે છે ત્યારે કોંગ્રેસ અને તેના નેતાઓ વિદેશી એજન્ડા હેઠળ અરાજકતા ફેલાવવાની કોશિશ કરે છે. જનતા તેમના ઈરાદા સમજી ગઈ છે, તેથી જ તેમને સતત નકારી રહી છે".

 

ભાજપે માંગ કરી છે કે રાહુલ ગાંધીએ તેમના નિવેદન માટે દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ. બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે રાહુલ ગાંધી જનતાના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી રહ્યા છે.

(3:23 PM IST)