તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
યુપી ચૂંટણીમાં કોંગ્રેસ રમશે મોટો દાવ: 'Gen Z' યુવાનોને અપાશે ટિકિટ, મથુરાથી અજય રાયે ભાજપ સરકાર સામે બોલાવ્યો હલ્લો!
બાંકે બિહારી કોરિડોરના નામે વિનાશ, યમુના નદીની ગંદકી અને પ્રયાગરાજ બ્લાસ્ટ મુદ્દે યોગી-મોદી સરકાર પર પ્રહાર; ગઠબંધન અંગે કેન્દ્રીય નેતૃત્વ લેશે અંતિમ નિર્ણય.

મથુરા : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મથુરાની મુલાકાતે પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયે એક મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી નવી પેઢી એટલે કે 'જનરેશન ઝેડ' (Gen Z) ના યુવાનોને ધ્યાનમાં રાખીને ટિકિટોનું વિતરણ કરશે. પાર્ટી યુવા અને સક્ષમ ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળીને ચૂંટણી મેદાનમાં ઉતારશે.
બાંકે બિહારી કોરિડોર અને યમુનાની સફાઈ મુદ્દે ઘેરાવ
સરકારની નીતિઓ પર પ્રહાર કરતાં અજય રાયે કહ્યું કે, બાંકે બિહારી કોરિડોરના નામે વૃંદાવનની મૂળ ઓળખ અને સંસ્કૃતિનો નાશ કરવામાં આવી રહ્યો છે. કાશીની જેમ જ અહીં પણ સ્થાનિક લોકોને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જેનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે. વધુમાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને કેન્દ્ર - તમામ જગ્યાએ ભાજપની સરકાર હોવા છતાં આજે પણ પવિત્ર યમુના નદી ગંદી કેમ છે? થોડા જ વરસાદમાં મથુરા પાણીમાં ગરકાવ થઈ જાય છે, શું આ જ ભાજપનો 'વિકાસ' છે?
ગઠબંધન અને કાયદો-વ્યવસ્થા પર મોટો દાવો
ચૂંટણીમાં ગઠબંધન અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે કે ચૂંટણી એકલા હાથે લડવી કે કોઈ પક્ષ સાથે જોડાણ કરવું. પરંતુ હાલ કોંગ્રેસ જમીન પર ઉતરીને જનતાના મુદ્દાઓ માટે મજબૂતીથી લડી રહી છે. કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, પ્રયાગરાજમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૧૩ લોકોના મોત માટે સરકારની બેદરકારી જવાબદાર છે. યુપીમાં ગુનાખોરી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને વર્તમાન સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
