તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
દતિયા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય: ભાજપના ગઢમાં ઘનશ્યામ સિંહની ૬,૦૫૩ મતોથી શાનદાર જીત, જીતુ પટવારીએ ગણાવ્યો કુશાસન સામેનો જનાદેશ
૧૫ રાઉન્ડની કાંટાની ટક્કર બાદ કોંગ્રેસે ભાજપના આશુતોષ તિવારીને આપી ધોબીપછાડ: 'લાડલી બહેના' ફેક્ટર છતાં મતદારોએ પરિવર્તન પર મોહર લગાવી.

દતિયા : મધ્યપ્રદેશની હાઇપ્રોફાઇલ દતિયા વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે મોટી જીત નોંધાવીને ભાજપને ભારે આંચકો આપ્યો છે. ૧૫ રાઉન્ડની મતગણતરીના અંતે કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારીને ૬,૦૫૩ મતોના અંતરથી પરાજય આપીને બેઠક પર કબ્જો જમાવ્યો છે. કુલ ૨૧ ઉમેદવારો વચ્ચે ખેલાયેલા આ રાજકીય જંગમાં પોસ્ટલ બેલેટથી લઈને EVM ગણતરી સુધી ભારે ઉત્તેજના જોવા મળી હતી.
સવારે શરૂ થયેલી મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં ભાજપના આશુતોષ તિવારી ૯૦૯ મતોથી આગળ નીકળ્યા હતા, પરંતુ બીજા રાઉન્ડથી જ ઘનશ્યામ સિંહે વાપસી કરીને સરસાઈ મેળવવાનું શરૂ કર્યું હતું. વચ્ચેના રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ૧૨,૬૦૦ મતો સુધી પહોંચી ગઈ હતી. અંતિમ રાઉન્ડમાં ભાજપને ૬૦,૬૯૭ મત અને કોંગ્રેસને ૬૬,૭૫૦ મત મળ્યા હતા, જેના આધારે કોંગ્રેસે વિજય પતાકા લહેરાવી હતી. આ ચૂંટણીમાં બસપાના ઉમેદવાર દામોદર યાદવ ત્રીજા ક્રમે રહ્યા હતા.
કોંગ્રેસની આ જીત પર પ્રતિક્રિયા આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ જણાવ્યું હતું કે, "આ જીત કોંગ્રેસના કાર્યકર્તાઓની અથાક મહેનત અને દતિયાની જનતાનો વિજય છે. મતદારોએ ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ખેડૂતો પ્રત્યેની અવગણના સામે મતદાન કરીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે." વિપક્ષી નેતા ઉમંગ સિંઘરે પણ ઉમેર્યું કે જનતાએ સરકારની દમનકારી નીતિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
આ પેટાચૂંટણીમાં ૭૧.૪૪ ટકા મતદાન નોંધાયું હતું, જે ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ લગભગ ૯ ટકા ઓછું હતું. ખાસ કરીને મહિલા મતદારોના મતદાનમાં ૧૨ ટકાનો ઘટાડો ભાજપ માટે નુકસાનકારક સાબિત થયો છે. મતદાન દરમિયાન બોગસ વોટિંગ અને બૂથ કેપ્ચરિંગના આરોપો વચ્ચે ૩૫૦થી વધુ અધિકારીઓ અને કડક પોલીસ બંદોબસ્ત હેઠળ આ ગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
