<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

કોંગ્રેસની પંજાબમાં આરપારની જંગ: રાહુલ ગાંધી સંગરુરમાં ધડાકો કરશે : સચિન પાયલોટે ભગવંત માનના ગઢમાં યુદ્ધનું બ્યુગલ ફૂંક્યું

4 નવેમ્બરે સંગરુરમાં યોજાનારી મહારેલીથી AAP સરકારની ખામીઓનો પર્દાફાશ કરવાનો દાવો: જૂથવાદના આરોપો વચ્ચે તમામ દિગ્ગજ નેતાઓએ એક જ ગાડીમાં સવાર થઈ દર્શાવી મજબૂત એકતા

ચંદીગઢ :  પંજાબના રાજકારણમાં ગરમાવો લાવતા પંજાબ કોંગ્રેસના પ્રભારી સચિન પાયલોટે ચંદીગઢ ખાતે યોજાયેલી મેરેથોન બેઠક બાદ એક અત્યંત મહત્વપૂર્ણ અને સન્સનીખેજ રાજકીય જાહેરાત કરી છે. શાસક આમ આદમી પાર્ટીને તેના જ મજબૂત ગઢમાં ઘેરવાની આક્રમક રણનીતિ ઘડી કાઢતા પાયલોટે જણાવ્યું છે કે આગામી 4 નવેમ્બરના રોજ કોંગ્રેસના શાનદાર નેતા રાહુલ ગાંધી મુખ્યમંત્રી ભગવંત માનના ગઢ ગણાતા સંગરુરમાં એક વિશાળ જાહેર રેલીને સંબોધિત કરશે. પાયલોટે દાવો કર્યો હતો કે સંગરુર એ AAP સરકારની "રાજધાની" સમાન છે અને રાહુલ ગાંધી આ ગર્જના ભરી રેલી મારફતે વર્તમાન સરકારની નિષ્ફળતાઓ અને વાસ્તવિકતાનો સમગ્ર રાજ્ય સમક્ષ મોટો ખુલાસો કરશે.

ચંદીગઢમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પંજાબ કોંગ્રેસના તમામ સાંસદો, ભૂતપૂર્વ મંત્રીઓ, વર્કિંગ કમિટીના સભ્યો અને વરિષ્ઠ નેતાઓએ હાજરી આપીને આગામી ચૂંટણીઓ અને વિરોધ પ્રદર્શન માટે નક્કર રોડમેપ તૈયાર કર્યો હતો. સચિન પાયલોટે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પંચાયત, બ્લોક, જિલ્લાથી લઈને રાજ્ય સ્તર સુધીના પોતાના સંગઠનને ઝડપથી સક્રિય કરી રહી છે. તેમણે ભગવંત માન સરકાર પર સીધા પ્રહારો કરતા કહ્યું કે પંજાબમાં હવે પરિવર્તન અનિવાર્ય બની ચૂક્યું છે અને શેરીઓથી લઈને વિધાનસભા સુધી માત્ર કોંગ્રેસ જ AAP ની જનવિરોધી નીતિઓ સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવી રહી છે.

અત્યાર સુધી જૂથવાદ અને આંતરિક ખેંચતાણ માટે ચર્ચામાં રહેતી પંજાબ કોંગ્રેસે આ બેઠક દરમિયાન અભૂતપૂર્વ એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ એકતાનો રસપ્રદ કિસ્સો શેર કરતા સચિન પાયલોટે જણાવ્યું કે, "આજે અમારી એકતાનું ઉદાહરણ જુઓ – અમે બધા પ્રતાપ સિંહ બાજવા ના ઘરે લંચ માટે ભેગા થયા હતા. ગાડી પરગટ સિંહની હતી, સ્ટીયરીંગ મારા હાથમાં હતું, સામે કેસી વેણુગોપાલ બેઠા હતા જ્યારે પાછળ રાજા વારિંગ અને ચરણજીત સિંહ ચન્ની સવાર હતા." પાયલોટે દાવો કર્યો કે આખું નેતૃત્વ હવે એકજુટ થઈને પંજાબને બચાવવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યું છે અને 4 નવેમ્બરની રાહુલ ગાંધીની સંગરુર રેલી પંજાબના રાજકારણમાં એક નવો મોડ સાબિત થશે.

(7:11 PM IST)