<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ઉમેદવારોની પસંદગીમાં ‘સારા' નહીં, ‘મારા'ની જીદે કોંગ્રેસના સુપડાસાફ

નીતિ, નિયત અને નેતૃત્ત્વ સામે ફરી એકવાર સવાલ ઊઠયા - રાષ્ટ્રીય નેતૃત્ત્વના ‘રેસના ઘોડા' પસંદ કરવાની શિખામણ ઝાંપા સુધી જ રહી, જૂથબંધીમાં રાચતા નેતાઓએ ‘લંગડા ઘોડા'ને રેસમાં ઉતાર્યાઃ કોંગ્રેસના પરાભવ માટે એકથી વધુ પરિબળો જવાબદાર : માત્ર નિવેદનો અને સોશિયલ મીડિયાના માધ્‍યમથી ચૂંટણી જીતવાના અભરખા રાખતી કોંગ્રેસ દિશાવિહીન બની ગઈઃ જૂથબંધીમાં રાચતા કોંગ્રેસના નેતાઓએ સમક્ષ સ્‍થાનિક સમસ્‍યાઓ બાબતે લોકોએ જાહેરમાં બળાપો ઠાલવ્‍યો હતો, પરંતુ લોકોના આક્રોશને મતમાં ફેરવીને રાજકીય ફાયદો લેવામાં કોંગ્રેસ સરેઆમ નિષ્‍ફળ નીવડી

નવી દિલ્‍હી,તા.૨૯: ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો વધુ એક વાર કારમો પરાજય થયો છે. ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે યોજાયેલી પાલિકા-પંચાયતોની આ ચૂંટણી મીની વિધાનસભા સમાન છે અને આગામી વર્ષે યોજાનારી ચૂંટણીના પરિણામ પર આ ચૂંટણી પરિણામોની અસર જોવા મળવાની છે ત્‍યારે કોંગ્રેસની દશા અને દિશા નક્કી કરનારી મહત્ત્વની ગણાતી આ ચૂંટણીઓએ પુરવાર કર્યું છે કે, માત્ર નિવેદનો અને સોશિયલ મીડિયાના માધ્‍યમથી ચૂંટણી જીતવાના અભરખા રાખતી  કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે.

કોંગ્રેસના પરાભવ માટે એકથી વધુ પરિબળો જવાબદાર છે, પરંતુ સૌથી ધ્‍યાન ખેંચે તેવા અને મહત્ત્વના કારણોમાં ઉમેદવારોની પસંદગી અને પાર્ટી ફંડ ઉપરાંત પ્રદેશથી માંડીને ગ્રામ્‍ય સ્‍તરે પ્રવર્તી રહેલી જૂથબંધી મુખ્‍ય છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્ત્વના આદેશ અનુસાર ઉમેદવારોની પસંદગીની સત્તા જિલ્‍લા પ્રમુખને આપવાનો નિર્ણય અને ચૂંટાયેલા ધારાસભ્‍યો સહિત પ્રદેશના નેતાઓની ઉમેદવારોની પસંદગીમાં ‘સારા' નહીં, પરંતુ ‘મારા'ની જીદ કોંગ્રેસ માટે આત્‍મઘાતી પુરવાર થઈ છે.

 કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં દાયકા બાદ યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં જાહેર મંચ પરથી ‘રેસના ઘોડા' અને ‘લંગડા ઘોડા'નું લ્લષ્ટાંત આપીને ગુજરાત સહિત દેશભરના કોંગી નેતાઓને મજબૂત ઉમેદવારો પર દાવ ખેલવાનો સ્‍પષ્ટ આદેશ આપ્‍યો હતો, આમ છતાં જાણી જોઈને લંગડા ઘોડાની પસંદગી કરવામાં આવી હોવાનું સ્‍પષ્ટ થાય છે. આમ, ચૂંટણી પરિણામોથી ગુજરાત કોંગ્રેસની નીતિ, નિયત અને નેતૃત્ત્વ સામે વધુ એક વાર સવાલ ઊઠ્‍યા છે. સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓની આશરે ૧૦ હજાર બેઠકમાંથી કોંગ્રેસે ૧૭૪૦ બેઠકો મેળવી છે. જેમાં ૧૫ મહાપાલિકામાં ૯૫, ૮૪ ન.પા.માં ૪૫૯, ૩૪ જિલ્‍લા પંચાયતમાં ૧૩૬ અને ૨૬૦ તાલુકા પંચાયતોમાંથી ૧૦૫૦ બેઠકોનો સમાવેશ થાય છે.

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મજબૂત પકડ ધરાવતી કોંગ્રેસના સ્‍થાનિક જૂથના નેતાઓએ ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીને મજબૂત કરે તેવા ઉમેદવારોની પસંદગીને બદલે ભાગબટાઈ કરી હતી, જે અંતે ભારે પડી છે. જિલ્‍લા પ્રમુખોને ઉમેદવારોની સત્તા આપવાનો નિર્ણય થયો હતો, પરંતુ અનેક જિલ્‍લા પ્રમુખોએ ઉમેદવારોની પેનલ બનાવીને પ્રદેશને સુપરત કરી હતી.

પ્રદેશમાંથી જે યાદી આવી તેમાં અસંખ્‍ય ઉમેદવારો બદલાઈ ગયા હતા! બીજીતરફ અનેક શહેરી અને અર્ધ શહેરી વિસ્‍તારોની અસંખ્‍ય બેઠકો પર તો કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા. છેક છેલ્‍લી ઘડી સુધી ચૂંટણી લડવા કોંગ્રેસને ઉમેદવારો મળ્‍યા ન હોવાથી આવા વિસ્‍તારોમાં હાર પહેલેથી જ નક્કી હતી, પરંતુ માત્ર દેખાવ પુરતા ઉમેદવારો ઊભા રાખવા પડ્‍યા હોવાની બાબત ઉમેદવારો જાહેર થયા ત્‍યારે જ ઉજાગર થઈ ગઈ હતી. જૂથબંધીમાં રાચતા કોંગ્રેસના નેતાઓએ સમક્ષ સ્‍થાનિક સમસ્‍યાઓ બાબતે લોકોએ જાહેરમાં બળાપો ઠાલવ્‍યો હતો, પરંતુ લોકોના આક્રોશને મતમાં ફેરવીને રાજકીય ફાયદો લેવામાં કોંગ્રેસ સરેઆમ નિષ્‍ફળ નીવડી છે

(10:03 AM IST)