તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
પુણેની હોસ્પિટલને ઉડાવી દેવાનું કાવતરું: સીસીટીવીમાં કેદ થયો શંકાસ્પદનો ચહેરો, મુખ્યમંત્રી ફડણવીસે ઘટનાને ગણાવ્યું ‘તોડફોડનું કૃત્ય’
IED બોમ્બમાં 7 કલાકનું ટાઈમર સેટ કરાયું હતું: ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર આવીને વિસ્ફોટક પ્લાન્ટ કરી ભાગી છૂટ્યો હતો શંકાસ્પદ

પુણે, તા. ૧૪: મહારાષ્ટ્રના પુણે શહેરના હડપસર વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં બોમ્બ મળવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. આ ગંભીર મામલે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપતા પુષ્ટિ કરી છે કે, હોસ્પિટલમાં મળેલી શંકાસ્પદ વસ્તુ વાસ્તવમાં એક જીવતો બોમ્બ હતો અને આ એક સુનિયોજિત ‘તોડફોડનું કૃત્ય’ (Act of Sabotage) હતું. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની મદદથી શંકાસ્પદ હુમલાખોરનો ચહેરો ઓળખી કાઢ્યો છે.
ટાઈમર બોમ્બ જોઈને હોસ્પિટલમાં મચ્યો ફફડાટ
બુધવારે સાંજે જ્યારે હોસ્પિટલ પરિસરમાંથી એક અજાણી વસ્તુ મળી આવી, ત્યારે કોઈને અંદાજ નહોતો કે તે આટલી જોખમી હશે. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે તે ઓછી તીવ્રતાવાળો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) હતો, જેમાં સાત કલાકનું ટાઈમર સેટ કરવામાં આવ્યું હતું. સદનસીબે, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્ફોટ થાય તે પહેલાં જ બોમ્બને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરી દીધો હતો, જેના કારણે સેંકડો દર્દીઓ અને સ્ટાફના જીવ બચી ગયા હતા.
ઈલેક્ટ્રિક બાઈક પર આવ્યો હતો આરોપી
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સીસીટીવી ફૂટેજ મુજબ, આરોપી એક ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર સવાર થઈને હોસ્પિટલ આવ્યો હતો. તેણે અત્યંત ચાલાકીથી વિસ્ફોટક ત્યાં પ્લાન્ટ કર્યા અને તરત જ ફરાર થઈ ગયો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પોલીસે ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કર્યા છે અને શંકાસ્પદને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ATS અને ક્રાઈમ બ્રાન્ચ મેદાનમાં
આ ઘટનાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS), પુણે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી ફડણવીસે ઉમેર્યું કે આ ઘટના પાછળ કોઈ આતંકવાદી સંગઠનનો હાથ છે કે કેમ, તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જ્યારે હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન ચાલતું હતું, ત્યારે સાવચેતીના ભાગરૂપે તમામ દર્દીઓ અને ડોક્ટરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી હતી.
હાલ પુણે પોલીસ હાઈ એલર્ટ પર છે અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ તેજ કરી દેવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ જ આ ભયાનક કાવતરા પાછળનો અસલી મકસદ સ્પષ્ટ થશે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
