<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

બંધારણીય સંસ્થાઓ પર અવિશ્વાસ ફેલાવવાનું ષડયંત્ર: ૪૨ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ પત્ર લખી ઈલેક્શન કમિશનનો કર્યો મજબૂત બચાવ

આધાર વગર 'વોટ ચોરી' ના આક્ષેપો લોકશાહી માટે ખતરનાક : પૂર્વ જસ્ટિસ હેમંત ગુપ્તા, પંકજ મિત્તલ સહિતના દિલગીર પૂર્વ ન્યાયમૂર્તિઓએ વિરોધ પક્ષોની નીતિ સામે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી:  દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થાઓ અને ભારતીય ચૂંટણી પંચ (ECI) ની નિષ્પક્ષતા પર વિપક્ષ દ્વારા થઈ રહેલા સતત પ્રહારો સામે દેશના ૪૨ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ એક સંયુક્ત ખુલ્લો પત્ર લખીને ભારે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ ન્યાયમૂર્તિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈ પણ નક્કર પુરાવા વિના "મત ચોરી" જેવા ગંભીર આરોપો લગાવવા અને બંધારણીય હોદ્દા ધરાવતા વડાઓને લક્ષ્ય બનાવવું એ દેશની લોકશાહી પ્રણાલીને અસ્થિર કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર લાગે છે. તેમણે ચેતવણી આપી છે કે વર્તમાન ઝેરી વાતાવરણમાં મૌન રહેવું એ તટસ્થતા નથી પરંતુ સિસ્ટમને નુકસાન પહોંચાડવા સમાન છે, કારણ કે જનતાનો વિશ્વાસ જ લોકશાહીનો મુખ્ય આધાર છે.

આ સંયુક્ત પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ પંકજ મિત્તલ ઉપરાંત હાઈકોર્ટના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો – જસ્ટિસ બી.સી. પટેલ (દિલ્હી/J&K), જસ્ટિસ સુભ્રો કમલ મુખર્જી (કર્નાટક) અને જસ્ટિસ પરમોદ કોહલી (સિક્કિમ) સહિત અન્ય જાણીતા ન્યાયમૂર્તિઓનો સમાવેશ થાય છે. પત્રમાં મતદાર યાદીઓની સુધારણા પ્રક્રિયા (SIR) નો બચાવ કરતા જણાવાયું છે કે તે એક કાયદાકીય પ્રક્રિયા છે જેનો હેતુ માત્ર પારદર્શક અને સુધારેલી મતદાર યાદી તૈયાર કરવાનો છે. પૂર્વ ન્યાયાધીશોએ ટીકા કરી હતી કે આક્ષેપ કરનારાઓ ક્યારેય કોર્ટ કે ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામું આપતા નથી પરંતુ માત્ર પ્રેસ કોન્ફરન્સો કરીને સંસ્થાઓને બદનામ કરે છે.

બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના સાંસદો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જંતર-મંતર તરફ કરાયેલા વિરોધ પ્રદર્શન અને દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી અટકાયત વચ્ચે રાજકારણ વધુ ગરમાયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વિપક્ષના આ વલણની સખત ટીકા કરતા કહ્યું હતું કે જે ચૂંટણી પંચ હેઠળ ચૂંટણી જીતીને વિપક્ષી પક્ષો કેરળ, તમિલનાડુ કે અન્ય રાજ્યોમાં સત્તા પર આવ્યા છે, તે જ સિસ્ટમ પર હાર મળ્યા બાદ ઈવીએમ  ના બહાને સવાલ ઉઠાવવા એ બેવડું વલણ છે. તેમણે ઉમેર્યું હતું કે જો વિપક્ષને સિસ્ટમ પર વિશ્વાસ ન હોય તો તેમણે જીતેલી સીટો પરથી રાજીનામું આપવું જોઈએ.

(7:01 PM IST)