<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

હિંસા અને ધાકધમકી મુક્ત-નિષ્પક્ષ ચૂંટણી માટે જોખમ ઊભું કરે ત્યારે બંધારણીય અદાલતો મૂકપ્રેક્ષક બનીને ન બેસી રહે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને સણસણતો ચુકાદો

આંધ્રપ્રદેશના વિપક્ષ YSRCP ની અરજી પર સર્વોચ્ચ અદાલતનો મોટો આદેશ; ચૂંટણીમાં મસલ પાવર ચલાવી ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવાના ગંભીર આક્ષેપો વચ્ચે રાજ્ય ચૂંટણી પંચને નામાંકનની મુદત લંબાવવા વિચારવા આપ્યા નિર્દેશ.

નવી દિલ્હી : દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક અવલોકન કર્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે જ્યારે હિંસા, ધાકધમકી કે ગેરકાયદેસર પ્રથાઓ દ્વારા મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સામે જોખમ ઊભું થાય ત્યારે બંધારણીય અદાલતો ચૂપ રહી શકે નહીં. સામાન્ય રીતે ન્યાયાધીશો ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવાનું ટાળતા હોય છે, પરંતુ જ્યારે ચૂંટણીની અખંડિતતા અને નિષ્પક્ષતા પર જ સવાલ ઉભા થાય ત્યારે ન્યાયતંત્ર પાસે હસ્તક્ષેપ કરવાની પૂર્ણ સત્તા રહેલી છે.

આંધ્રપ્રદેશના મુખ્ય વિપક્ષી પક્ષ 'યુવાજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ પાર્ટી' (YSRCP) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ જોયમલ્યા બાગચી અને વી. મોહનાની બેન્ચે આ આદેશ જારી કર્યો હતો. YSRCP એ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષની વ્યાપક હિંસા અને અવરોધોને કારણે તેમના લગભગ બે તૃતીયાંશ ઉમેદવારો શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નામાંકન પત્રો ભરી શક્યા નથી. પાર્ટીએ વીડિયો ક્લિપ્સ અને પુરાવા રજૂ કરતાં કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ મામલો ગંભીર ગણાવીને આંધ્ર પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચ (SEC) ને નામાંકનની સમયમર્યાદા લંબાવવાની વિનંતી પર પુનઃવિચાર કરવા નિર્દેશ આપ્યો હતો અને ઉમેદવારોની અંતિમ યાદી ૨૩ ઓક્ટોબર સુધી સ્થગિત રાખવા જણાવ્યું હતું.
 

સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક કહ્યું કે મુક્ત અને ન્યાયી ચૂંટણી એ ભારતીય બંધારણનું મૂળભૂત માળખું (Basic Structure) છે. જો કોઈ ઉમેદવારને બળજબરી કે હિંસા દ્વારા ઉમેદવારી નોંધાવતા અટકાવવામાં આવે તો તે લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર છે. "ન્યાયિક સંયમની પણ મર્યાદાઓ હોય છે અને મસલ પાવર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડી શકાય નહીં," તેમ જણાવતાં કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે ચૂંટણી પંચે દરેક પાત્ર ઉમેદવારને ભયમુક્ત વાતાવરણમાં ભાગ લેવાની સમાન તક પૂરી પાડવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી દેશભરમાં ચૂંટણી નિષ્પક્ષતા અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે એક મજબૂત સંદેશ ગયો છે.

(8:40 PM IST)