તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 4th November 2026
ગુરુગ્રામમાં બાંધકામ પર રોક અને ૫૦ ટકા વર્ક ફ્રોમ હોમ
ઝેરી હવામાં શ્વાસ લેવા લોકો મજબૂર, દિલ્હી અને એનસીઆરમાં હવાની ગુણવત્તા અતિ ગંભીર શ્રેણીમાં પહોંચતાં ગુરુગ્રામ પ્રશાસને ૫ થી ૨૦ નવેમ્બર સુધી બાંધકામ અને તોડફોડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે : સરકારી તેમજ ખાનગી કચેરીઓમાં ૫૦ ટકા સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાતઃ પંજાબી બાગ સહિત અનેક સ્થળોએ આંકડો ૪૪૦ ને પાર જતાં નિયમ ભંગ કરનારા સામે કડક કાનૂની કાર્યવાહીના આદેશ

ગુરુગ્રામ,તા.૪: રાજધાની દિલ્હી અને આસપાસના સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિતાજનક રીતે ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. ચોમેર છવાયેલા ઝેરી સ્મોગના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં ગુરુગ્રામ જિલ્લા પ્રશાસને તાત્કાલિક અસરથી ૫ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી કટોકટી જેવા આકરા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી દીધી છે. વાયુ પ્રદૂષણ વધારતા તમામ પરિબળોને ડામવા માટે બાંધકામ, તોડફોડ અને ધૂળ ઉડાડતી પ્રવૃત્તિઓ અટકાવી દેવામાં આવી છે, જ્યારે કર્મચારીઓને રાહત આપવા માટે ઘરેથી કામ કરવાના વિશેષ નિર્દેશો જારી કરાયા છે.
ગુરુગ્રામ વહીવટી તંત્ર દ્વારા ૫ થી ૨૦ નવેમ્બર સુધી કડક નિયંત્રણો હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી જતાં સ્થાનિક તંત્ર દ્વારા ૧૫ દિવસ માટે વિશેષ સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન હવાને પ્રદૂષિત કરતી તમામ ખુલ્લી કામગીરીઓ પર બાજ નજર રાખવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું પાલન કરાવવા માટે વહીવટી અધિકારીઓની વિશેષ ટીમો દરરોજ સ્થળ પર જઈને આકસ્મિક તપાસ કરશે.
બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ ગુરુગ્રામમાં રસ્તાઓ, હાઈવે, ફલાયઓવર અને ભૂગર્ભ પાઇપલાઇન પાથરવા જેવા પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા બાંધકામ તેમજ તોડફોડ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે.
ધૂળનું પ્રમાણ હવામાં ઓછું થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. જોકે જાહેર હિત સાથે જોડાયેલા અત્યંત આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને નિયમોના કડક પાલનની શરતે મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે.
વાહનોના ધુમાડા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે તમામ સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ સુવિધા લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કચેરીઓમાં માત્ર ૫૦ ટકા કર્મચારીઓ જ સ્થળ પર આવી શકશે, જ્યારે બાકીના ૫૦ ટકા સ્ટાફે ફરજિયાતપણે ઘરેથી કામ કરવું પડશે. ઓફિસોએ કર્મચારીઓની હાજરીનો દૈનિક રેકોર્ડ પણ જાળવવો પડશે, જોકે ઔદ્યોગિક એકમો અને આવશ્યક સેવાઓને આમાંથી મુક્તિ અપાઈ છે.
રાજધાનીના વિવિધ વિસ્તારોમાં ખતરનાક સ્તરે પહોંચેલો એર ક્વોલિટી ઇન્ડેક્સ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના તાજા આંકડા મુજબ બુધવારે દિલ્હીના અનેક કેન્દ્રો પર હવાનો ગુણવત્તા આંક ૪૦૦ ને વટાવી ગયો હતો.
પંજાબી બાગ અને જહાંગીરપુરીમાં આ આંકડો ૪૪૭ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત આઈઆઈટી દિલ્હીમાં ૪૩૮, મુંડકામાં ૪૩૬, રોહિણીમાં ૪૩૩, ડીટીયુ ખાતે ૪૩૨, વિવેક વિહાર અને પુસામાં ૪૨૮, અલીપુરમાં ૪૧૯, નરેલામાં ૪૧૮, સોનિયા વિહાર અને આર કે પુરમમાં ૪૧૭, આઈટીઓ ખાતે ૪૧૪ તેમજ પટપડગંજમાં ૪૧૦ નોંધાયો હતો. બવાના, સિરીફોર્ટ અને મંદિર માર્ગ ખાતે પણ આંકડો ૪૦૮ રહ્યો હતો, જ્યારે નોર્થ કેમ્પસમાં ૪૦૭ આંક નોંધાતાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે.
સીએક્યુએમ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી અને વિન્ટર પ્લાન હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચ (CAQM) ના આદેશ મુજબ ૫ થી ૨૦ નવેમ્બર સુધી નિયત બાંધકામ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
નિયમ તોડનારાઓ સામે CAQM એક્ટ ૨૦૨૧ ની કલમ ૧૪ અને અન્ય કાયદાકીય કલમો હેઠળ સીધા દંડ અને સીલિગની કાર્યવાહી કરાશે. દિલ્હી સરકારના વિન્ટર એક્શન પ્લાન અંતર્ગત ૧ નવેમ્બર ૨૦૨૬ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી ખુલ્લામાં ધૂળ પેદા કરતી તમામ પ્રવૃત્તિઓ પર પહેલેથી જ રોક મુકાયેલી છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
