<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

મુમ્બ્રાના રેતીબંદર અંડરપાસનું નિર્માણ બે દાયકાથી અધ્ધરતાલ: તંત્રના સતત ખોટા વાયદાઓથી કંટાળેલા સ્થાનિકો ફરી ઉગ્ર આંદોલનના એંધાણ!

વર્ષ ૨૦૦૭થી ચાલતી લડત અને જાન્યુઆરી ૨૦૨૬ સુધીની તમામ સમયમર્યાદાઓ નિષ્ફળ: મેગા બ્લોકની મંજૂરીના બહાને કામ અટકતાં રેલવે તંત્ર સામે નાગરિકોનો આક્રોશ ચરમસીમાએ

થાણે : મહારાષ્ટ્રના થાણે જિલ્લા અંતર્ગત આવતા મુમ્બ્રાના રેતીબંદર વિસ્તારમાં લાંબા સમયથી પ્રસ્તાવિત રેલવે અંડરપાસનું કામ વારંવારની ખાતરીઓ છતાં શરૂ ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. વર્ષ ૨૦૦૭થી એટલે કે લગભગ બે દાયકાથી આ અંડરપાસ માટે લડત ચલાવી રહેલા નાગરિકોને દર વખતે નવી સમયમર્યાદા આપીને છેતરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મુકાયો છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે થતા અકસ્માતો અને સુરક્ષાના જોખમોને કારણે આ અંડરપાસ અત્યંત જરૂરી હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

 

વરિષ્ઠ સામાજિક કાર્યકરો રાકેશ ભગત અને સૈનાથ લક્ષ્મણ ભોસલેના જણાવ્યા અનુસાર, રેતીબંદર રૂમ નંબર-૪ પાસેના અંડરપાસ માટે સતત રજૂઆતો કરાતાં રેલવે અધિકારીઓએ જૂન ૨૦૨૪માં ચોમાસા બાદ કામ શરૂ કરવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૫માં સ્થાનિકોએ ભૂખ હડતાળ અને 'રસ્તા રોકો' આંદોલન કરતાં રેલવે અધિકારી સંજય કુમારે મે ૨૦૨૫ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. થોડા દિવસ બાંધકામ સામગ્રી લાવીને કામ કરવાનો ડોળ કરાયા બાદ કામગીરી ફરી બંધ કરી દેવાઈ હતી. એ પછી આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર આલાપુરે દ્વારા પહેલા ઓક્ટોબર ૨૦૨૫ અને ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૬ સુધીની નવી ડેડલાઈન અપાઈ હતી, પણ તે પણ વીતી ગઈ છે.

 

નાગરિકોએ આપી આરપારની લડાઈની ચેતવણી

 

મેગા બ્લોકની મંજૂરી ન મળવા જેવા બહાના હેઠળ કામ લટકાવી રાખવામાં આવતાં ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાયેલી બેઠકમાં સ્થાનિક આગેવાનો અને રહીશોએ આંદોલન પુનઃ સક્રિય કરવાનો એકસૂરે નિર્ણય લીધો હતો. સમુદાય પ્રતિનિધિ બાપુ ચોકસેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે માત્ર કાગળ પરના વાયદાઓ નહીં ચાલે પરંતુ સ્થળ પર કામ શરૂ થવું જોઈએ. જો તાત્કાલિક બાંધકામ શરૂ કરવામાં નહીં આવે તો રહીશો મોટું આંદોલન કરશે અને તેનાથી ઊભી થનારી જાહેર અસુવિધા માટે સંપૂર્ણપણે રેલવે પ્રશાસન જવાબદાર રહેશે.

 

(9:07 PM IST)