તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ભાવમાં ભારે વધઘટને કારણે ગ્રાહકો સોનાના દાગીનાની ખરીદી ટાળી રહ્યા છે
તહેવારો અને લગ્નની સિઝન આગળ વધશે તેમ માંગમાં સુધારો થવાની ધારણાઃ કાઉન્સિલ

મુંબઇ તા.૧૮: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ગુરુવારે જણાવ્યું હતું કે સોનાના દાગીનાની માંગમાં તહેવારોની સિઝન અગાઉ મજબૂત તેજી જોવા મળ્યા બાદ તાજેતરના સપ્તાહોમાં નરમાઈ આવી છે. સોનાના ભાવમાં ભારે વધઘટને કારણે ગ્રાહકો ડિસ્ક્રીશનરી ખરીદી ટાળી રહ્યા છે અને ભાવમાં વધુ સ્થિરતા આવે તેની રાહ જોઈ રહ્યા છે.
જોકે, તહેવારો અને લગ્નની સિઝન આગળ વધશે તેમ માંગમાં સુધારો થવાની ધારણા છે. સ્થિર રોકાણ માંગ અને લગ્નસંબંધિત ખરીદીમાં મજબૂતી તેને ટેકો આપશે. જોકે, ઊંચા ભાવ અને ભાવમાં અસ્થિરતા ડિસ્ક્રીશનરી ખરીદીને મર્યાદિત કરી શકે છે તેમ કાઉન્સિલે તેના બ્લોગમાં જણાવ્યું હતું.
ડબલ્યુજીસીના રિસર્ચ હેડ, ઈન્ડિયા, કવિતા ચોકોએ બ્લોગમાં જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રી પાસેથી મળેલા પ્રતિસાદ અનુસાર, ઓગસ્ટના અંતમાં શરૂ થયેલી તહેવારોની સિઝન અગાઉ સોનાના દાગીનાની માંગમાં જોવા મળેલી મજબૂતી છેલ્લાં કેટલાક સપ્તાહોમાં નરમ પડી છે.
તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં સોનાના ભાવમાં આવેલી તીવ્ર તેજી બાદ ત્યારબાદના ઘટાડાને કારણે ઘણાં ગ્રાહકો ભાવની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે, જેના પરિણામે તેઓ ખરીદીમાં વિલંબ કરી રહ્યા છે.
રિટેલ ટ્રેડર્સ પણ સ્ટોક વધારવા અંગે સાવચેતી રાખી રહ્યા છે અને વાસ્તવિક માંગના આધારે જ ફરીથી સ્ટોક વધારવાનું પસંદ કરી રહ્યા છે. કેટલાક ઉત્પાદકોએ વેપારીઓ દ્વારા ઓર્ડર સ્વીકારવામાં વિલંબ થયો હોવાનું જણાવ્યું છે.
તાજેતરમાં માંગમાં નરમાઈ આવી હોવા છતાં, તહેવારો અને લગ્નની ટોચની સિઝન દરમિયાન માંગ અંગે વેપાર ક્ષેત્ર સાવચેતીપૂર્વક આશાવાદી છે.
બજારના સહભાગીઓના જણાવ્યા અનુસાર, ભૌતિક સોનામાં રોકાણની માંગ સ્થિર રહી છે અને કેટલાક રોકાણકારો ભૌતિક સોનામાંથી ડિજિટલ સ્વરૂપના સોના તરફ વળી રહ્યા હોવાનું જણાય છે.
ડબલ્યુજીસીએ જણાવ્યું હતું કે સ્થાનિક સોનાના ભાવ આયાત સમકક્ષ ભાવથી નીચે જ ટ્રેડ થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે માંગની સરખામણીમાં સ્થાનિક પુરવઠો પૂરતો છે.
જુલાઈમાં સરેરાશ આસદીઠ ૩૪ ડોલરનું ડિસ્કાઉન્ટ હતું, જે ઓગસ્ટમાં વધીને ૫૧ ડોલર થયું હતું અને !! સપ્ટેમ્બર સુધીમાં વધુ વધીને ૭૮ ડોલર થઈ ગયું હતું. પરિણામે, સ્થાનિક સોનાના ભાવ આયાત સમકક્ષ ભાવ અથવા લેન્ડેડ ભાવ કરતાં લગભગ ૨ ટકા નીચે ટ્રેડ થઈ રહ્યા હતા.
બજારમાંથી મળેલા પ્રતિસાદ મુજબ, જૂના સોનાના બદલામાં નવા દાગીના લેવાની પ્રવૃત્તિએ સ્થાનિક સપ્લાય વધાર્યો છે અને સ્થાનિક સોનાના ભાવને લેન્ડેડ ખર્ચ કરતાં નીચે રાખવામાં મદદ કરી છે
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
