તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
તહેવારોની મોસમ ટાણે જ ગ્રાહકોના ખિસ્સા પર ફટકો: ૧ ઓક્ટોબરથી એર કન્ડીશનર, ટીવી અને ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ભાવમાં ૮ ટકા સુધીનો મસમોટો વધારો ઝીંકાશે
તાંબુ, સ્ટીલ અને કાચા તેલની કિંમતોમાં અસહ્ય ઉછાળો તેમજ વૈશ્વિક માલવાહક ભાડા વધતા ઉત્પાદક કંપનીઓએ કિંમતો વધારવી અનિવાર્ય બની હોવાનો કર્યો દાવો: વર્ષ ૨૦૨૬માં ભાવવધારાનો આ સતત ત્રીજો ઝાટકો

નવી દિલ્હી: દેશભરમાં આગામી સમયમાં નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારોની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે ત્યારે જ સામાન્ય ગ્રાહકો માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અગ્રણી ઉત્પાદક કંપનીઓએ આવતા મહિનાની ૧ ઓક્ટોબરથી એર કન્ડીશનર (AC), એલઇડી ટીવી, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર જેવા રોજીંદા વપરાશના સાધનોની કિંમતોમાં ૫ થી ૮ ટકા સુધીનો વધારો કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કાચા માલના વધતા ભાવ અને વૈશ્વિક પુરવઠા શ્રૃંખલા પર પડેલી પ્રતિકૂળ અસરને કારણે ચાલુ વર્ષ ૨૦૨૬માં જ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવવધારાનો આ ત્રીજો તબક્કો અમલી બનાવવામાં આવી રહ્યો છે.
ઉદ્યોગ જગતના વર્તુળો અને અગ્રણી કંપનીઓના વડાઓ તરફથી મળતી માહિતી અનુસાર, મધ્ય પૂર્વ (વેસ્ટ એશિયા) ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારમાં તાંબુ (કોપર), એલ્યુમિનિયમ, સ્ટીલ અને ક્રૂડ ઓઇલમાંથી બનતી પ્રોડક્ટ્સના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની સાથોસાથ વિદેશથી આવતા માલસામાનના દરિયાઈ અને હવાઈ ભાડાં (ફ્રેટ કોસ્ટ) વધી જવાથી તેમજ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થતી અસ્થિરતાના લીધે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થયો છે. કંપનીઓનું કહેવું છે કે હવે આ વધારાનો બોજ ગ્રાહકો પર ટ્રાન્સફર કર્યા વગર તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
કંપનીવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો વિવિધ બ્રાન્ડ્સ દ્વારા અલગ-અલગ કેટેગરીમાં કિંમતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એસી અને ડીપ ફ્રીઝર બનાવતી બ્લુ સ્ટાર (Blue Star) કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બી. થિયાગરાજનના જણાવ્યા મુજબ, ધાતુઓ અને પ્લાસ્ટિકના ભાવ સતત વધતા હોવાથી એસી અને ફ્રીઝરમાં ૫ થી ૮ ટકાનો વધારો ઝીંકવો પડ્યો છે. ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીના મતે, છેલ્લે કિંમતો સુધારાઈ તે પછી પણ કાચા માલના ભાવમાં ૮ થી ૧૦ ટકાનો વધારો થયો હોવાથી તમામ કેટેગરીમાં ૫ થી ૭ ટકાનો વધારો અનિવાર્ય બન્યો છે.
આ ઉપરાંત, ડાઇકિન (Daikin) એરકન્ડીશનિંગ ઇન્ડિયાના ચેરમેન કનવલજીત જાવાએ સ્પષ્ટ કર્યું હતું કે તાંબાના ભાવમાં ૨૫ થી ૩૫ ટકા સુધીનો તોતિંગ ઉછાળો આવ્યો છે, જેના કારણે કંપનીએ સપ્ટેમ્બરના મધ્યથી જ ૮ થી ૧૦ ટકાનો ભાવવધારો અમલી બનાવી દીધો છે. હાયર (Haier) ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એન. એસ. સતીશના જણાવ્યા અનુસાર, તેમની કંપની ૧ ઓક્ટોબરથી રૂમ એસીના ભાવમાં ૫ ટકા અને એલઇડી ટીવી તથા વોશિંગ મશીનમાં ૨ થી ૩ ટકાનો વધારો કરશે. પરિસ્થિતિ સુધરશે નહીં તો દિવાળી પછી અને જાન્યુઆરીમાં ફરીથી કિંમતો વધારવી પડી શકે છે. તેવી જ રીતે થોમસન, કોડાક અને બ્લાઉપંકટ જેવી બ્રાન્ડ્સનું ઉત્પાદન કરતી સુપર પ્લાસ્ટ્રોનિક્સ (SPPL) ઓક્ટોબર પછી ટીવીના ભાવમાં ૭ ટકા સુધીનો વધારો કરવાની યોજના ધરાવે છે.
બીજી તરફ, એલજી (LG) અને બોશ હોમ કમ્ફર્ટ (હિતાચી) દ્વારા પણ એસીની કિંમતોમાં આશરે ૫ ટકાનો વધારો કરાયો હોવાનું જાણવા મળે છે. આ તમામ વિગતો વચ્ચે પેનાસોનિક (Panasonic) હાલ તુરંત પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેશે. વિડીયોટેક્સના ડિરેક્ટર અર્જુન બજાજે એવો અંદાજ વ્યક્ત કર્યો છે કે સ્ક્રીન સાઈઝના આધારે નાના ટીવીમાં ૨૦ ટકા સુધી અને મોટા ટીવીમાં ૧૦ ટકા સુધીનો ફેરફાર જોવા મળી શકે છે.
ઉદ્યોગ માટે વાર્ષિક વેચાણનો ૩૦ થી ૪૦ ટકા હિસ્સો એકમાત્ર તહેવારોની આ સીઝનમાંથી જ આવતો હોય છે. એવામાં કિંમતો વધવાથી ખરીદીના મૂડ પર થોડી અસર પડી શકે છે. જોકે, વેપારીઓ અને ડીલરો પાસે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જૂના ભાવે ખરીદાયેલો સ્ટોક ઉપલબ્ધ હોવાથી દિવાળી સુધી ગ્રાહકોને જૂની કિંમતે અથવા ડિસ્કાઉન્ટનો લાભ મળી રહેવાની પણ શક્યતા સેવાઈ રહી છે, પરંતુ દિવાળી બાદ નવા ભાવ પૂર્ણપણે લાગુ થઈ જશે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
