<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પીએમ અને સીએમને હટાવવાના વિવાદાસ્પદ બિલ પર JPCમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: કેમ અટકી ગયો અંતિમ રિપોર્ટ?

વિપક્ષના બહિષ્કાર અને શાસક પક્ષના જ સાંસદોના આંતરિક વિરોધ વચ્ચે ભલામણો પર ભારે મતદાન થયું : આખરે રહસ્યમય ફોન કોલ બાદ સમિતિના અધ્યક્ષે રિપોર્ટ પડતો મૂકતા અનેક તર્ક-વિતર્ક તેજ બન્યા

નવી દિલ્હી: વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને ૩૦ દિવસથી વધુ સમય માટે અટકાયતમાં રાખવામાં આવે તો તેઓને પદ પરથી આપમેળે દૂર કરવાની જોગવાઈ ધરાવતું અત્યંત સંવેદનશીલ બંધારણ સુધારો બિલ હાલ પૂરતું ઠંડા બસ્તામાં ધકેલાઈ ગયું છે. શુક્રવારે યોજાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની બેઠકમાં ભારે નાટકીય દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં વિપક્ષની પાંખી હાજરી વચ્ચે પણ રિપોર્ટ પસાર કરવા માટે સહમતી સધાઈ શકી નહોતી. બેઠકમાં જ્યારે ખરડો પસાર કરવાની ઘડી આવી, ત્યારે દરેક ભલામણ પર મતદાન કરવાની અણધારી માંગ ઉઠી હતી. આ દરમિયાન 'દૂર કરવા' શબ્દને 'સસ્પેન્શન' માં બદલવા જેવી મહત્વની ભલામણો પર શાસક પક્ષના જ કેટલાક સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કરતા સત્તાધારી છાવણીમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા હતા. વિવાદ એટલો વધ્યો કે આખરે જેપીસી અધ્યક્ષ અપરાજિતા સારંગીએ એક ગુપ્ત ફોન સંદેશ મળ્યા બાદ રિપોર્ટ રજૂ ન કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લેવો પડ્યો હતો.

આ બિલને લઈને વિપક્ષી દળોમાં શરૂઆતથી જ તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના મોટાભાગના વિરોધ પક્ષોએ આ બિલને સંઘવાદના માળખા પર સીધો પ્રહાર ગણાવીને સમિતિનો બહિષ્કાર કર્યો હતો. વિપક્ષનો આક્ષેપ છે કે સરકાર ૩૦ દિવસથી વધુ સમય માટે વિપક્ષી નેતાઓને અટકાયતમાં રાખીને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને પાછલા બારણેથી તોડી પાડવાનું ષડયંત્ર રચી રહી છે. જોકે, આ હોબાળા વચ્ચે એનસીપી-એસપીના સુપ્રિયા સુલે અને એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ પોતાની અસંમતિ નોંધાવી હતી, પરંતુ રિપોર્ટ જ રજૂ ન થતાં આખરે તેમણે પોતાની અસંમતિ નોંધ પાછી ખેંચી લીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે આ સંવેદનશીલ બિલ પર સહમતી સાધવી સરકાર માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આ બિલને હાલ પૂરતું પડતું મૂકવા પાછળ સરકારની એક ગણતરીપૂર્વકની વ્યુહરચના કામ કરી રહી છે. આગામી ચોમાસુ સત્રમાં સરકારની પ્રાથમિકતા આ વિવાદાસ્પદ બિલને બદલે બંધારણના ૧૩૧મા સુધારા બિલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે, જે દેશમાં સીમાંકન અને મહિલા અનામત લાગુ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ બિલ માટે કોંગ્રેસ અને સપા સિવાયના અન્ય પ્રાદેશિક પક્ષોનું સમર્થન મેળવવા માટે સરકાર લોકસભા અને વિધાનસભાઓમાં બેઠકોની સંખ્યામાં પચાસ ટકાનો તોતિંગ વધારો કરવાની ઓફર આપવા પણ તૈયાર છે. આમ, પીએમ અને સીએમને હટાવવાના બિલને પાછું ખેંચીને સરકારે એક શક્તિશાળી 'ટ્રાયલ બલૂન' છોડ્યો છે, જેથી વિપક્ષી પક્ષોની આશંકાઓને શાંત કરી સીમાંકન જેવા મોટા લક્ષ્ય પર સર્વસંમતિ સાધી શકાય.

(7:20 PM IST)