<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

શાળામાં વિવાદાસ્પદ ગીત પર ડાન્સનો મામલો: કિરીટ સોમૈયાએ કરી તપાસ, ઇમારત તોડવાની આપી ચીમકી

જાલનાની શાળામાં વાર્ષિક ઉત્સવ દરમિયાન નકલી તલવાર સાથેના ડાન્સનો વીડિયો વાયરલ, ભાજપ નેતાએ ગણાવી ગંભીર ઘટના.

જાલના : મહારાષ્ટ્રના જાલના જિલ્લાના પરતુરની એક ખાનગી શાળામાં તાજેતરમાં યોજાયેલા વાર્ષિક કાર્યક્રમમાં બાળકો દ્વારા "સર તન સે જુડા" ગીત પર નકલી તલવારો સાથે કરવામાં આવેલા નૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદાસ્પદ ઘટનાને પગલે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પોલીસ સાથે શાળાની મુલાકાત લીધી હતી અને શાળાના સંચાલન તેમજ માન્યતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

તપાસ દરમિયાન કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે શાળા પાસે શિક્ષણ વિભાગની માન્ય માન્યતા જ નથી. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આ શાળાને સીલ કરવામાં આવશે અને નિયમોના ઉલ્લંઘન બદલ શાળાની ઇમારતને તોડી પાડવી પડશે. પોલીસ દ્વારા પહેલા જ શાળાના પ્રમુખ, શિક્ષક અને એન્કર સામે FIR નોંધી લેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ કાર્યક્રમમાં વપરાયેલું ગીત અને ડાન્સની તૈયારીઓ એક શિક્ષકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

શાળામાં થયેલા આ પ્રદર્શનમાં પાકિસ્તાની છબીઓ અને વિવાદાસ્પદ દ્રશ્ય સામગ્રીનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો પણ થયા છે, જેને ભાજપ નેતાઓએ રાષ્ટ્રવિરોધી ગણાવી છે. સોમૈયાએ રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કરતા ઉમેર્યું હતું કે આવી પ્રવૃત્તિઓ મહારાષ્ટ્રની ધરતી પર કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે વિપક્ષના મૌન પર પણ પ્રહારો કર્યા હતા.

આ સમગ્ર કેસ હવે પોલીસ તપાસના દાયરામાં છે, જ્યાં વીડિયોના આધારે આગળની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. શાળાની માન્યતા રદ કરવાની પ્રક્રિયા સાથે હવે ઇમારત તોડવા સુધીની ચીમકીએ તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાના દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા બાદ વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે.

(1:01 AM IST)