<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેનું વિવાદિત નિવેદન - "મોદીનો બાપ પણ જશે" તેવી ટિપ્પણી બાદ રાજકીય ગરમાંગરમી : ખરગેની સભામાં હોબાળો અને મારપીટ : જુઓ વિડીયો

ચૂંટણી પંચ અને ભાજપ પર પ્રહારો દરમિયાન ટોકા-ટોકી કરનાર શખ્સ પર ભડક્યા ખરગે : અમિત શાહ, નિતિન નવીન અને જદયુ દ્વારા ભાષા સામે સખત વાંધો ઉઠાવી આકરા પ્રહારો

પટના : બિહારની રાજધાની પટના ખાતે આવેલા બાપુ સગારમાં યોજાયેલી કોંગ્રેસની એક સભા દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે આપા ખોઈ બેઠા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ અત્યંત વિવાદિત ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રવિવારે ૨૫ ઓક્ટોબરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ખરગે ચૂંટણી પંચ અને SIR સામે આક્રમક સુર અપનાવી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળ, હરિયાણા, બિહાર અને મહારાષ્ટ્રમાં વોટ ચોરી કરીને ચોરોની સરકારો બનાવવામાં આવી છે.

ભાષણ દરમિયાન દર્શકોમાંથી એક શખ્સે વચ્ચે ટોકા-ટોકી કરીને એવું કહ્યું કે "મોદી નહીં જશે." આ સાંભળીને મલ્લિકાર્જુન ખરગે ઉગ્ર બની ગયા હતા અને ગુસ્સામાં અવાજ ઊંચો કરીને બોલ્યા હતા કે, "મોદીનો બાપ પણ જશે." ખરગેએ આ વાક્ય અનેક વખત દોહરાવ્યું હતું. આ ઘટના બાદ સભાસ્થળે ભારે અફરાતફરી અને હોબાળો મચી ગયો હતો. ખરગેના ભાષણ વચ્ચે ટાંકણી કરનાર તે શખ્સને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાહેરમાં માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આ વિવાદિત નિવેદનને લઈને રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ ભાષાને ગુંડા-મવાલીઓની પ્રવૃત્તિ ગણાવીને આકરી ટીકા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખરગેએ પ્રધાનમંત્રીના પરિવાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. અગાઉ પણ કોંગ્રેસ દ્વારા 'મોતના સોદાગર' અને 'ચાયવાલા' જેવા શબ્દોનો ઉપયોગ કરીને ગરીબીની મજાક ઉડાવવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને આ નિવેદનને કોંગ્રેસનું વૈચારિક દેવાળું ફૂંકાયા સમાન ગણાવ્યું હતું. આ ઉપરાંત, જનતા દલ યુનાઇટેડ (જદયુ) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને પણ વિપક્ષી નેતાઓમાં પ્રધાનમંત્રી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાની સ્પર્ધા લાગી હોવાનું કહીને આલોચના કરી હતી.

ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા હુસેન દલવઈએ મલ્લિકાર્જુન ખરગેના આ નિવેદનનો બચાવ કર્યો હતો. તેમણે તર્ક આપ્યો હતો કે વર્તમાન સરકારે છેલ્લા ૧૨-૧૩ વર્ષમાં અનેક ભૂલો કરી છે અને જનતા પર અત્યાચાર ગુજાર્યા છે, જે બાબતો અધ્યક્ષના મનમાં છે અને તેનો પૂરેપૂરો હિસાબ લેવામાં આવશે.

(9:00 PM IST)