News of Monday, 5th October 2026
મતદાર યાદી સુધારણા પર સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ ઉજ્જલ ભુયાનની ટિપ્પણીથી વિવાદ: ભૂતપૂર્વ CJI ગવઈ અને નિવૃત્ત જજોએ ન્યાયિક ઔચિત્ય સામે ઉઠાવ્યા સવાલ
પેન્ડિંગ કેસ પર જાહેર નિવેદન આપવા બદલ જસ્ટિસ ભુયાનની ટીકા: 'ન્યાયાધીશે કોર્ટ સમક્ષ વિચારાધીન મામલે મર્યાદા જાળવવી જોઈએ'

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના કાર્યરત ન્યાયાધીશ જસ્ટિસ ઉજ્જલ ભુયાન દ્વારા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે કરવામાં આવેલી જાહેર ટિપ્પણી બાદ ન્યાયિક વર્તુળોમાં મોટો વિવાદ સર્જાયો છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોએ જસ્ટિસ ભુયાનના નિવેદન સામે સખત વાંધો ઉઠાવતા કહ્યું છે કે, સર્વોચ્ચ અદાલતમાં વિચારાધીન કેસ પર સિટિંગ જજે જાહેર મંચ પરથી આવી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવાનું ટાળવું જોઈએ. આ સમગ્ર મામલો રવિવારે નાલસાર (NALSAR) યુનિવર્સિટી ઓફ લો ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ ભુયાનના વિદાય ભાષણ બાદ સામે આવ્યો હતો.
નાલસાર યુનિવર્સિટીના કાર્યક્રમમાં બોલતા જસ્ટિસ ઉજ્જલ ભુયાને કહ્યું હતું કે, લાખો ભારતીય નાગરિકોને મતાધિકારથી વંચિત કરતી કોઈપણ પ્રક્રિયા મનસ્વી અને બંધારણીય વ્યવસ્થાનો અનાદર છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણ નાગરિકોના બે વર્ગો બનાવતું નથી અને મતાધિકાર છીનવી લેવાની બાબત વ્યાજબી ઠેરવી શકાય નહીં. આ ટિપ્પણીનો કડક વિરોધ કરતા ભૂતપૂર્વ સીજેઆઈ ગવઈએ જણાવ્યું હતું કે ન્યાયિક ઔચિત્ય (Judicial Propriety) ન્યાયાધીશને એવા મામલા પર જાહેર બોલવાની મંજૂરી આપતી નથી જે વિષય તેમની પોતાની જ કોર્ટ સમક્ષ નિર્ણય માટે પેન્ડિંગ હોય.
દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એસ.એન. ઢીંગરા અને આર.એસ. સોઢીએ પણ ભૂતપૂર્વ સીજેઆઈની ચિંતાઓનો સૂર પુરાવ્યો હતો. જસ્ટિસ ઢીંગરાએ કહ્યું કે, "એક વર્તમાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે આવી મર્યાદા બહારની વાત કરતા પહેલા હજાર વાર વિચારવું જોઈતું હતું." તેમણે ઉમેર્યું કે જસ્ટિસ ભુયાનને આ મામલાની સંપૂર્ણ હકીકતોની જાણકારી નહોતી. વધુમાં, ચૂંટણી પંચમાં નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે પૂછવામાં આવતાં ઢીંગરાએ કહ્યું કે ચૂંટણી કમિશનરો દેશના સર્વોચ્ચ અમલદારો છે અને તેઓ પોતાના વલણની રજૂઆત કરવા માટે પૂરતા સક્ષમ છે.
બીજી તરફ, નિવૃત્ત ન્યાયાધીશ આર.એસ. સોઢીએ મતદાર યાદીની સુધારણા પ્રક્રિયાને 'મતાધિકાર છીનવી લેવા' તરીકે સરખાવવાની બાબતને અપરિપક્વ ગણાવી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મત આપવાનો અધિકાર સંપૂર્ણપણે કાયદાકીય માપદંડો પર આધારિત છે. જો કોઈ વ્યક્તિ કાયદાકીય જરૂરિયાતો પૂરી કરતી નથી અથવા તેનું નામ ભૂલથી સામેલ થયું હોય, તો તેને કાયદેસર પ્રક્રિયાથી દૂર કરી શકાય છે. આવા કઠોર નિવેદનો તર્કસંગત અભિગમ દર્શાવતા નથી પરંતુ બિનજરૂરી વિવાદો ઊભા કરે છે.
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા અને ચૂંટણી પંચ સંબંધિત નવા કાયદાની કાયદેસરતાને પડકારતી વિવિધ અરજીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, આ બાબત એક ગંભીર સંસ્થાકીય પ્રશ્ન ઊભો કરે છે કે જ્યારે મુખ્ય અદાલતમાં સંવેદનશીલ મુદ્દાઓ પર સુનાવણી ચાલી રહી હોય ત્યારે કાર્યરત ન્યાયાધીશોએ ક્યાં સુધી મર્યાદા જાળવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ભુયાને તેમના સંબોધન દરમિયાન નાલસાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પણ વખાણ કર્યા હતા. હાલમાં SIR પ્રક્રિયા અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સમિતિમાંથી મુખ્ય ન્યાયાધીશને બહાર રાખવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે ભૂતપૂર્વ ન્યાયાધીશોના આ વાંધા બાદ ન્યાયિક વર્તુળોમાં સિટિંગ જજોની જાહેર અભિવ્યક્તિની મર્યાદાઓ અંગે ચર્ચા વધુ ઘેરી બની છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
