<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને કેબિનેટના મંત્રીઓની સંપત્તિ જાહેર થતાં વિવાદ : જાહેરમાં આવી કરોડોની મિલકતો

PM બાલેન શાહના ખાતામાં 1.46 કરોડ રૂપિયા, પત્ની પાસે 190 તોલા સોનું — આવકનો સ્ત્રોત ફેસબુક-યુટ્યુબ દર્શાવ્યો, નાણામંત્રી અને ગૃહમંત્રી પાસે પણ કરોડોની સંપત્તિ; વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કરી તપાસની માંગ કરી

કાઠમંડુ તા.૧૪ :  નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને તેમના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ની આગેવાની હેઠળના કેબિનેટના સભ્યોએ જાહેરમાં પોતાની સંપત્તિ જાહેર કર્યા બાદ વિવાદ સર્જાયો છે. વડાપ્રધાન કાર્યાલય અને મંત્રીમંડળે રવિવારે સંપત્તિની વિગતો જાહેર કરી હતી. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 50 હેઠળ જાહેર અધિકારીઓએ પદ ગ્રહણ કર્યાના 60 દિવસમાં સંપત્તિની જાહેરાત કરવી ફરજિયાત છે.

 

જાહેર કરાયેલી વિગતો મુજબ, વડાપ્રધાન બાલેન શાહના બેંક ખાતામાં 1.46 કરોડ રૂપિયા જમા છે, અને આવકનો સ્ત્રોત ફેસબુક, યુટ્યુબ અને સ્પોટિફાય જેવા ડિજિટલ પ્લેટફોર્મ દર્શાવાયા છે. તેઓના નામે કોઈ ઘર કે જમીન નથી, પરંતુ તેમના માતા ધ્રુવદેવી શાહ પાસે કાઠમંડુમાં 5 આના અને ધનુષા જિલ્લામાં 1.2 બિઘા જમીન છે. તેમના પિતા રામનારાયણ શાહ પાસે મહોત્તરી જિલ્લામાં 9 બિઘા જમીન છે. વડાપ્રધાનના પત્ની સબિના કાફલે પાસે 190 તોલા સોનું-ચાંદી સહિત કિંમતી ધાતુઓ છે, જે વારસાગત હોવાનું દર્શાવાયું છે.

 

નાણામંત્રી સ્વર્નિમ વાગલેએ 1.9 કરોડ રૂપિયાના શેર રોકાણ અને લગભગ 90 લાખ રૂપિયાની બેંક ડિપોઝિટ જાહેર કરી છે. તેમની પાસે લલિતપુરમાં 2 કરોડ રૂપિયાની રહેણાંક મિલકત અને વિવિધ સ્થળોએ 10.75 કરોડ રૂપિયાની કિંમતની જમીન છે. ગૃહમંત્રી સુદન ગુરુંગે 4.31 કરોડ રૂપિયાના શેર રોકાણ, ત્રણ જિલ્લામાં જમીન અને 89 તોલા સોનું જાહેર કર્યું છે.

 

સંપત્તિ જાહેર કરવી કાનૂની જરૂરિયાત હોવા છતાં, આ વિગતો પ્રકાશમાં આવતાં જાહેર ચર્ચા શરૂ થઈ છે. સોમવારે કાઠમંડુમાં ડાબેરી વિદ્યાર્થી કાર્યકર્તાઓના એક જૂથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સંપત્તિના સ્ત્રોતો અંગે સ્પષ્ટતા તથા સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. 

 

ઉલ્લેખનીય છે કે નેપાળમાં લોકશાહીની પુનઃસ્થાપના બાદ 1990થી વડાપ્રધાનો અને કેબિનેટ મંત્રીઓએ સામાન્ય રીતે સંપત્તિની વિગતો જાહેર કરવાની પ્રથા અનુસરી છે. જોકે, ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની જુલાઈ 2024માં બનેલી સરકારે સંપત્તિ જાહેર કરી નહોતી.

(3:40 PM IST)