તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી યુદ્ધજહાજોના પ્રવેશ મુદ્દે વિવાદ: ઇસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ યુદ્ધના ભણકારા, અમેરિકા અને ઈરાન વચ્ચે આક્રમક ‘ટ્વિટર વોર’ શરૂ
જે રણમેદાનમાં ન જીતી શક્યા તે ટેબલ પર પણ નહીં મળે’: ઈરાને અમેરિકાની અંતિમ ઓફર ફગાવી કડક જવાબ આપ્યો; હોર્મુઝમાં દરિયાઈ સુરંગો સાફ કરવાના દાવાને ઈરાની સેનાએ નરદમ જૂઠ ગણાવ્યો

ઇસ્લામાબાદ:અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો કોઈપણ નિષ્કર્ષ વિના પૂર્ણ થયા બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર ભયાનક યુદ્ધની આહટ સંભળાઈ રહી છે. મંત્રણાના ટેબલ પર સહમતિ ન સધાતા હવે બંને પક્ષો વચ્ચે આકરા નિવેદનો અને ‘જુબાની જંગ’ શરૂ થઈ ગઈ છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ‘બોલ હવે ઈરાનના કોર્ટમાં છે’ તેમ કહ્યા બાદ ઈરાને અત્યંત આક્રમક લહેજામાં પ્રતિક્રિયા આપી અમેરિકાના દબાણને વશ થવાનો ઇનકાર કર્યો છે.
ઈરાનનો અમેરિકાને સીધો સંદેશ:
ટોક્યો સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા અમેરિકાને લલકારતા લખ્યું છે કે, "જે તમે જંગના મેદાનમાં હાંસલ નથી કરી શક્યા, તે વાટાઘાટોના ટેબલ પર પણ નહીં મળે." આ નિવેદન દ્વારા ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકાની એકતરફી શરતો અને દબાણની રાજનીતિ સામે ઝૂકશે નહીં. જે.ડી. વેન્સના ‘અંતિમ અને શ્રેષ્ઠ પ્રસ્તાવ’ ને ઈરાને બળજબરીની વિચારધારા ગણાવીને ફગાવી દીધો છે.
હોર્મુઝમાં યુદ્ધજહાજોના પ્રવેશ અંગે ગૂંચવાડો:
શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યાના ગણતરીના કલાકોમાં જ નવો મોરચો ખૂલ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એવો દાવો કર્યો છે કે તેમના બે અત્યાધુનિક યુદ્ધજહાજો ‘USS ફ્રેન્ક ઈ પીટરસન’ અને ‘USS માઈકલ મર્ફી’ હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રવેશ્યા છે અને ત્યાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા બિછાવેલી દરિયાઈ સુરંગો (Mines) સાફ કરવાનું કામ શરૂ કરી દીધું છે. જોકે, ઈરાની સેનાના પ્રવક્તાએ આ દાવાને તદ્દન ખોટો ગણાવતા કહ્યું છે કે હોર્મુઝમાંથી કયા જહાજ પસાર થશે તેનો નિર્ણય માત્ર ઈરાનના હાથમાં છે અને અમેરિકાનો દાવો પાયાવિહોણો છે.
પાકિસ્તાનની મહેમાનગતિના વખાણ, અમેરિકાની ટીકા:
ઈરાની દૂતાવાસે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની પ્રામાણિક કોશિશો અને મહેમાનગતિની પ્રશંસા કરી છે. જોકે, જે.ડી. વેન્સના એ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે જો સમજૂતી નહીં થાય તો ઈરાન માટે તેના પરિણામો ખરાબ આવશે. ઈરાને આ પ્રકારની ધમકીઓને તપાસનો વિષય ગણાવી છે.
સીઝફાયર પર તોળાતું જોખમ:
અત્યાર સુધી બે અઠવાડિયાનું સીઝફાયર અમલમાં હતું, પરંતુ વાટાઘાટો નિષ્ફળ જતા હવે આ સીઝફાયર કઈ દિશામાં જશે તે મોટો પ્રશ્ન છે. ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ ઈરાન સામે સખત કાર્યવાહીની ધમકી આપી ચૂક્યા છે અને ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી. હોર્મુઝમાં સર્જાયેલી આ નવી તકરાર ગમે ત્યારે મોટા લશ્કરી સંઘર્ષમાં ફેરવાય તેવી શક્યતાને નકારી શકાતી નથી. સમગ્ર વિશ્વની નજર અત્યારે અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
