તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
ન્યૂયોર્કમાં નેતન્યાહૂની ધરપકડનો વિવાદ: મેયર મામદાનીની કાયદાકીય સલાહથી ઈઝરાયલ સાથે રાજદ્વારી ટકરાવ
ઈઝરાયલના વડાપ્રધાનના આગમન પૂર્વે જ રાજકારણ ગરમાયું; નેતન્યાહૂને યુદ્ધ આરોપી ગણાવી ધરપકડની માંગે જગાવ્યું કુતૂહલ

ન્યૂયોર્ક: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં ભાગ લેવા ન્યૂયોર્ક આવવાના છે ત્યારે શહેરના મેયર જોહરાન મામદાનીએ તેમની ધરપકડ અંગે કાયદાકીય સલાહ લેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.
મામદાનીએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા નેતન્યાહૂ વિરુદ્ધ યુદ્ધ ગુનાઓના આરોપો નક્કી કરવામાં આવ્યા હોવાથી તેમને ન્યૂયોર્ક નહીં પરંતુ હેગમાં હોવું જોઈએ. જોકે, એક મેયર તરીકે તેમને કોઈ વિદેશી વડાપ્રધાનની ધરપકડ કરવાનો અધિકાર છે કે કેમ, તે અંગે તેઓ કાયદાકીય અભિપ્રાય મેળવી રહ્યા છે.
આ નિવેદન બાદ ઈઝરાયલે આક્રમક વલણ અપનાવતા સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ડેની ડૈનને મામદાની પર નિશાન સાધ્યું છે. ડૈનને સોશિયલ મીડિયા પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, મેયર મામદાની ન્યૂયોર્કની આંતરિક સમસ્યાઓ ઉકેલવાને બદલે માત્ર ચર્ચામાં રહેવા માટે ઈઝરાયલ વિરોધી નિવેદનો આપી રહ્યા છે.
ઈઝરાયલી રાજદૂતે વધુમાં જણાવ્યું કે નેતન્યાહૂનો ન્યૂયોર્ક પ્રવાસ પૂર્વવત રહેશે અને તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલનો પક્ષ તેમજ પોતાના નાગરિકોના સુરક્ષા અધિકારને મજબૂતીથી રજૂ કરશે. તેમણે મામદાનીના ઈરાદાઓ પર સવાલ ઉઠાવતા તેમના પર હમાસના સમર્થનનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે.
આ સમગ્ર વિવાદની પાછળનું મુખ્ય કારણ ICC દ્વારા નેતન્યાહૂ સામે નોંધાયેલા કથિત યુદ્ધ ગુનાઓ છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મોટી તિરાડ ઉભી કરી છે. એક તરફ મેયર મામદાની તેમને યુદ્ધ આરોપી માનીને કાર્યવાહી કરવા માંગે છે, તો બીજી તરફ ઈઝરાયલ તેને રાજકીય ગેરમાર્ગે દોરતી કાર્યવાહી ગણાવે છે.
હવે સપ્ટેમ્બર મહિનામાં નેતન્યાહૂ જ્યારે ન્યૂયોર્ક પહોંચશે ત્યારે આ વિવાદ કઈ દિશા લેશે અને શું ખરેખર કોઈ કાયદાકીય અવરોધ ઉભો થશે, તે જોવું અત્યંત રોચક બની રહેશે. બંને પક્ષો વચ્ચેના આ શાબ્દિક જંગે યુએન મહાસભાના સત્ર પહેલા જ મુત્સદ્દીગીરીમાં તણાવ વધારી દીધો છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
