<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

તમિલનાડુમાં વિજયના શપથગ્રહણ સાથે જ વિવાદનો વંટોળ : રાષ્ટ્રગીત બાદ રાજ્યગીત વગાડાતા રાજકીય સંગ્રામ છેડાયો

'તમિલ થાઈ વજથુ' ને પ્રાથમિકતા ન મળતા સહયોગી પક્ષો નારાજ : ટીવીકે સરકારે રાજ્યપાલ અને કેન્દ્રના પરિપત્ર સામે આંગળી ચીંધી ખુલાસો કર્યો

ચેન્નઈ:: તમિલનાડુના રાજકારણમાં ભાષા અને પ્રાદેશિક અસ્મિતા હંમેશા સંવેદનશીલ મુદ્દા રહ્યા છે. રવિવારે ચેન્નઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય સમારોહમાં ટીવીકે (TVK) પ્રમુખ જોસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે, આ આનંદના પ્રસંગે રાજ્યગીત 'તમિલ થાઈ વજથુ' ના ક્રમને લઈને મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. પરંપરાગત રીતે સરકારી કાર્યક્રમોની શરૂઆતમાં ગાવામાં આવતા આ રાજ્યગીતને વંદે માતરમ્ અને જન ગણ મન પછી ત્રીજા સ્થાને રાખવામાં આવતા વિપક્ષો અને સહયોગી પક્ષોએ નવી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરભાઈએ વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સામાન્ય રીતે તમિલનાડુમાં કોઈ પણ સરકારી કાર્યક્રમની શરૂઆત રાજ્યગીતથી થાય છે અને અંત રાષ્ટ્રગાનથી કરવામાં આવે છે. પરંતુ આ વખતે પ્રોટોકોલમાં ફેરફાર કરીને પહેલા રાષ્ટ્રગીત, પછી રાષ્ટ્રગાન અને છેલ્લે રાજ્યગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સીપીઆઈ, સીપીએમ અને વીસીકે જેવા સહયોગી પક્ષોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. સીપીઆઈના રાજ્ય સચિવ એમ વીરપાંડિયનભાઈએ આ મામલે સ્પષ્ટતાની માંગ કરતા જણાવ્યું હતું કે તમિલ અસ્મિતા સાથે જોડાયેલા પ્રતીકોનું અપમાન સહન કરવામાં આવશે નહીં.
વિવાદ વધતા ટીવીકે સરકારના મંત્રી આધવ અર્જુનએ સત્તાવાર ખુલાસો રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'નીરારુમ કદલુથુદા...' થી શરૂ થતું આ ગીત તમિલ સમાજની ૧૦૦ વર્ષ જૂની વિરાસત છે અને સરકાર તેને પૂરેપૂરું સન્માન આપે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ ફેરફાર રાજ્યપાલના સૂચન અને કેન્દ્ર સરકારના નવા પરિપત્રને કારણે કરવો પડ્યો હતો. જોકે, ટીવીકે સરકાર આ નવી વ્યવસ્થા સાથે સહમત નથી અને ભવિષ્યમાં તમામ સરકારી કાર્યક્રમોમાં જૂની પરંપરા મુજબ જ રાજ્યગીતને પ્રથમ સ્થાન આપવામાં આવશે તેવી ખાતરી આપી છે.
પીએમકે સંસ્થાપક એસ રામદાસભાઈ અને વીસીકે પ્રમુખ થોલ થિરુમાવલવનએ પણ આ ઘટનાની નિંદા કરી છે. દ્રવિડિયન રાજનીતિના ગઢ ગણાતા તમિલનાડુમાં ભાષાકીય ઓળખ એ સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટેનો સૌથી મોટો પાયો છે. તેવામાં મુખ્યમંત્રી તરીકે વિજયની નવી ઈનિંગની શરૂઆતમાં જ આ પ્રકારનો વિવાદ થવો તે આગામી સમયમાં રાજકીય ગરમાવો વધવાના સંકેત આપી રહ્યો છે. સરકાર હવે આ મામલે કેન્દ્ર સમક્ષ પણ રજૂઆત કરી શકે છે કે દરેક રાજ્યના વંદના ગીતને કાર્યક્રમની શરૂઆતમાં યોગ્ય સન્માન મળવું જોઈએ.

(9:27 AM IST)