તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
માળખાકીય અને ઓટોમોબાઈલ ક્ષેત્રની મજબૂત માંગને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૬માં દેશમાં કોપર (તાંબા) ની માંગમાં ૧૨ ટકાનો શાનદાર ઉછાળો: કુલ વપરાશ ૨૧૦0 કિલોટનની સપાટીએ પહોંચ્યો
દેશના ૭.૭ ટકાના જીડીપી વૃદ્ધિદરને પાછળ છોડીને કોપર ક્ષેત્રે નોંધાઈ અભૂતપૂર્વ પ્રગતિ; વાયર, કેબલ, ટ્રાન્સફોર્મર અને પેસેન્જર વાહનોની માંગ વધવાથી ઔદ્યોગિક ગતિવિધિઓને મળ્યું પ્રોત્સાહન.

નવી દિલ્હી : દેશના ઉદ્યોગ અને અર્થતંત્ર માટે રાહત અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), ઓટોમોટિવ અને બાંધકામ ક્ષેત્ર તરફથી મળી રહેલી પ્રબળ માંગને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતમાં કોપર (તાંબા) ની માંગમાં જબરદસ્ત ૧૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ઇન્ટરનેશનલ કોપર એસોસિયેશન ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, અગાઉના નાણાકીય વર્ષમાં કોપરની માંગ ૧૮૭૮ કિલોટન હતી, જે વધીને આ વર્ષે ૨૧૦૦ કિલોટનની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.
ખાસ વાત એ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬માં દેશનો જીડીપી વૃદ્ધિદર ૭.૭ ટકા રહ્યો હતો, જ્યારે તેની સામે કોપરની માંગનો વિકાસદર ૧૨ ટકાના ઊંચા દરે આગળ વધ્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૯.૩ ટકા હતો. આ વધારા પાછળ મુખ્યત્વે માળખાકીય ક્ષેત્ર, ઓટોમોટિવ અને બિલ્ડિંગ સેક્ટરની માંગ જવાબદાર છે. ઈલેક્ટ્રિકલ અને માળખાકીય ક્ષેત્રોમાં વાયર, કેબલ, ટ્રાન્સફોર્મર, મોટર અને ઓટોમેટિવ હાર્નેસ જેવા ઉત્પાદનોમાં કોપરનો વપરાશ કેન્દ્રસ્થાને રહે છે. આ ક્ષેત્રની માંગમાં વર્ષાનુવર્ષ ધોરણે ૨૯ ટકાનો તોતિંગ વધારો થયો છે અને કુલ માંગમાં આ ક્ષેત્રનો હિસ્સો ૨૨ ટકા રહ્યો છે.
આ ઉપરાંત, અગાઉના વર્ષે દબાણ હેઠળ રહેલા ઓટોમોટિવ ક્ષેત્રમાં પણ આ વર્ષે પેસેન્જર વાહનો, વેપારી વાહનો અને ટ્રેક્ટરની માંગ વધતા ૧૪ ટકાનો શાનદાર બાઉન્સબૅક જોવા મળ્યો છે. બિલ્ડિંગ અને બાંધકામ ક્ષેત્રે પણ ૯ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. એસોસિયેશને જણાવ્યું છે કે કોપરની આ વધતી માંગ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડી રહી હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે, જેમાં સાનુકૂળ સરકારી નીતિઓ અને ક્લિન એનર્જી તરફના પરિવર્તનની મહત્વની ભૂમિકા છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
