News of Tuesday, 22nd September 2026
પુરવઠાની તંગીથી લંડન મેટલ એક્સચેન્જમાં કોપરમાં વિસ્ફોટક તેજી: સતત છઠ્ઠા સત્રમાં ભાવ વધીને ૧ માસની ઊંચાઈએ
શાંઘાઈમાં કોપરનો સ્ટોક વર્ષ ૨૦૨૩ પછીના તળિયે પહોંચતા વૈશ્વિક બજારો ગરમ; મુંબઈ જથ્થાબંધ બજારમાં ટીન રૂ. ૩૭ અને કોપર વાયરબાર રૂ. ૧૫ મોંઘું થયું

મુંબઈ : વૈશ્વિક સ્તરે સપ્લાયની તંગી અને શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે કોપરનો સ્ટોક ઘટીને વર્ષ ૨૦૨૩ પછીની સૌથી નીચી ૪૩,૯૦૦ ટનની સપાટીએ પહોંચી જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરમાં તેજીનો ભડકો થયો છે. લંડન મેટલ એક્સચેન્જ (LME) ખાતે સતત છઠ્ઠા સત્રમાં તેજીની આગેકૂચ જળવાઈ રહેતાં ૧ મહિનાની ડિલિવરી શરતે કોપરના ભાવ વધુ ૦.૬ ટકા વધીને ટનદીઠ ૧૪,૭૪૫ ડૉલરની સપાટીએ પહોંચી ગયા છે. કોપરની આ તેજી પાછળ અન્ય નોન-ફેરસ ધાતુઓમાં પણ સુધારાતરફી વલણ જોવા મળ્યું છે.
વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોની સીધી અસર મુંબઈના સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજાર પર પણ જોવા મળી છે. સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી અને વપરાશકાર ઉદ્યોગની મજબૂત માંગને કારણે સ્થાનિક બજારમાં ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૭ નોંગીપાત્ર ઉછાળો આવતા ભાવ રૂ. ૫,૩૩૮ ની સપાટીએ પહોંચ્યા છે. આ ઉપરાંત નિકલ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૫ વધીને અનુક્રમે રૂ. ૧,૬૧૮ અને રૂ. ૧,૪૯૯ નોંધાયા છે.
કોપર કેબલ અને અન્ય ધાતુઓમાં પણ તેજીનો માહોલ
સ્થાનિક બજારમાં કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધીને અનુક્રમે રૂ. ૧,૪૧૩ અને રૂ. ૧,૪૦૩ થયા છે. જ્યારે કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦ નો વધારો નોંધાતા તે અનુક્રમે રૂ. ૧,૩૯૧ અને રૂ. ૯૭૦ ના મથાળે રહ્યા છે. લીડ ઈન્ગોટ્સના ભાવ રૂ. ૮ વધીને રૂ. ૨૦૩ તથા બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્કના ભાવ કિલોદીઠ રૂ. ૫ વધીને રૂ. ૧,૦૦૫ અને રૂ. ૪૫૦ ની સપાટીએ બંધ રહ્યા હતા.
જોકે, આ સાર્વત્રિક તેજી વચ્ચે નિરસ માંગને કારણે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૧,૨૯૮ અને રૂ. ૧ ઘટીને રૂ. ૩૫૬ રહ્યા હતા. એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩૦૮ ની સપાટીએ યથાવત રહ્યા હતા.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
