<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ખેતી અને ખેડૂતોના કલ્યાણ માટે કોર્પોરેટ જગત આગળ આવે: "સંપત્તિના માલિક નહીં, ટ્રસ્ટી બનો" – દેશના કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની ઉદ્યોગોને મોટી હાકલ!

દિલ્હીમાં આયોજિત CSR કોન્ક્લેવ ૨૦૨૬માં કેન્દ્રીય મંત્રીએ ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને યાદ કર્યો; ક્લાઈમેટ ચેન્જ સામે લડવા, એગ્રી-ટેક સ્ટાર્ટઅપ્સ અને મહિલા ખેડૂતોની પ્રગતિ માટે કોર્પોરેટ ફંડનો ઉપયોગ કરવા પર ભાર.

નવી દિલ્હી : ભારતના કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્રને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે કોર્પોરેટ સેક્ટર સમક્ષ સહયોગનો હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ઉદ્યોગ જગતને અપીલ કરી છે કે તેઓ દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સક્રિય ભાગીદાર બને. તેમણે એગ્રી-ટેક સ્ટાર્ટઅપ્સ, ખેડૂતોના કૌશલ્ય વિકાસ અને કૃષિ સંશોધનને વધુ વેગ આપવા માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડનો મહત્તમ ઉપયોગ કરવાની આગ્રહભરી હાકલ કરી છે.

નવી દિલ્હીમાં આયોજિત 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોન્ક્લેવ ૨૦૨૬ માટે ICAR ટેકનોલોજી પોર્ટફોલિયો' કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગપતિઓને ભારતીય સંસ્કૃતિના પાયા સમાન 'ટ્રસ્ટીશીપના સિદ્ધાંત'ને સ્વીકારવા અનુરોધ કર્યો હતો. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ફિલસૂફીનો ઉલ્લેખ કરતા અત્યંત ગહન વાત કહી કે, "જેમની પાસે અઢળક સંપત્તિ છે તેઓ વાસ્તવમાં તેના માલિક નથી પરંતુ સમાજ વતી તેના ટ્રસ્ટી છે, અને તે સંપત્તિ આખરે તો સમાજ કલ્યાણ માટે જ વપરાવી જોઈએ." તેમણે ઉમેર્યું કે દેશ જ્યારે ઉદ્યોગોને વિકાસની તમામ તકો પૂરી પાડે છે, ત્યારે ઉદ્યોગોની પણ ફરજ બને છે કે તેઓ પોતાની કમાણીનો એક હિસ્સો અન્નદાતા ખેડૂતો અને ગ્રામીણ સમુદાયો પાછળ ખર્ચે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોર્પોરેટ્સ દ્વારા થતા સીએસઆર (CSR) રોકાણોથી ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેમ છે. ખાસ કરીને હવામાન પરિવર્તન સામે ટકી શકે તેવી ક્લાઈમેટ-રેઝિલિયન્ટ ખેતી પદ્ધતિઓ વિકસાવવામાં, જમીનની ફળદ્રુપતા જાળવવામાં, પોષણયુક્ત ખાદ્ય પ્રણાલીઓ ઊભી કરવામાં અને મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવી તેમની ઉદ્યોગસાહસિકતા વધારવામાં આ ભંડોળ ખૂબ મોટી ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે.

આ કોન્ક્લેવની વિશેષતા અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આ એક એવું અનોખું મંચ સાબિત થયું છે જ્યાં દેશના ઉદ્યોગપતિઓ, પ્રધાનો, વિજ્ઞાનીઓ, સરકારી બાબુઓ અને ખુદ દેશના ખેડૂતો એક છત નીચે એકઠા થયા છે. આ સંગમથી દેશની આખી કૃષિ વેલ્યુ ચેઈન (મૂલ્ય શૃંખલા) વધુ મજબૂત અને સમૃદ્ધ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

(8:56 PM IST)