News of Saturday, 2nd May 2026
બિહારમાં મંત્રીમંડળનું 'કાઉન્ટડાઉન' શરૂ: સમ્રાટ ચૌધરી પહોંચ્યા દિલ્હી દરબાર, અમિત શાહ સાથે થશે ફાઈનલ મિટિંગ
બંગાળના પરિણામો પહેલા બિહાર સરકારમાં મોટા ફેરબદલની તૈયારી : જેડીયુ અને ભાજપ વચ્ચે '15-15' ના ફોર્મ્યુલા પર મંજૂરીની મહોર વાગવાની શક્યતા : નીતિશ કુમાર સાથેની ગુપ્ત બેઠક બાદ રાજકીય પારો ઉંચકાયો

પટના: બિહારના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી શનિવારે રાત્રે અચાનક દિલ્હી રવાના થતા રાજકીય ગલિયારાઓમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે. દિલ્હીમાં તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક કરવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં મંત્રીમંડળના નવા માળખાને અંતિમ ઓપ આપવામાં આવશે. દિલ્હી જતા પહેલા સમ્રાટ ચૌધરીએ પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે અડધા કલાક સુધી બંધ બારણે ચર્ચા કરી હતી, જે સૂચવે છે કે ગઠબંધનમાં સત્તાની વહેંચણી અંગેના તમામ અવરોધો દૂર કરી લેવામાં આવ્યા છે.
નવા મંત્રીમંડળમાં ભાજપ અને જેડીયુ (JDU) વચ્ચે '15-15' બેઠકોની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. જોકે, ગઠબંધનના અન્ય સાથી પક્ષો જેવા કે ચિરાગ પાસવાનની LJP (R), જીતનરામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની RLM ને પણ મંત્રીમંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપીને સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. જ્ઞાતિગત સમીકરણો, અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓના મિશ્રણ સાથેની એક નવી ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. જાણકારોનું માનવું છે કે 6 મે ના રોજ બિહારને નવું મંત્રીમંડળ મળી શકે છે, જે આવનારી ચૂંટણીઓ માટે માર્ગ મોકળો કરશે.
બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગમે ત્યારે આ મોટા ફેરફારોની જાહેરાત થઈ શકે છે. દિલ્હીની આ મુલાકાત માત્ર શિષ્ટાચાર નથી, પરંતુ બિહારના ભાવિ વહીવટીતંત્રનો પાયો નાખનારી બેઠક છે. કેટલાક મહત્વના ખાતાઓ જે ખાલી છે તેને ભરવાની સાથે-સાથે કેટલાક જૂના મંત્રીઓની છટણી થાય તેવી પણ વાતો વહેતી થઈ છે. હવે આખા બિહારની નજર દિલ્હીથી પરત ફરનારા સમ્રાટ ચૌધરીના હાથમાં રહેલી 'મંત્રીઓની યાદી' પર છે, જે બિહારની સત્તાનું નવું ચિત્ર સ્પષ્ટ કરશે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
